ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 18 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા, સૌથી વધુ અમદાવાદમાં
Highest Road Accident in Ahmedabad : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ સાત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થયેલી છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 18 લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ 15489 કેસ નોંધાયેલા છે. આમ, અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 3 વ્યક્તિને ઇજા થતી હોય છે.
આ અંગે ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાની 11678 ઘટના નોંધાઇ હતી. રાહતની વાત એ છે કે, આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી ઓછી ઘટના જુલાઈમાં થઈ હતી. આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી વધુ 13926 ઘટના મે મહિનામાં થયેલી હતી. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2022માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ 15751 ઘટના નોંધાઈ હતી. આ સ્થિતિએ પ્રતિ કલાકે ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 1.79 માર્ગ અકસ્માત થાય છે.
2022માં અકસ્માતમાં 7618 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આમ, પ્રતિ કલાકે માર્ગ અકસ્માતથી મૃત્યુનું પ્રમાણ 0.86 છે. વર્ષ 2022 માં અકસ્માતની સૌથી વધુ 64105 ઘટના તામિલનાડુમાં થઈ હતી. આ યાદીમાં મધ્ય પ્રદેશ 54432 સાથે બીજા, કેરળ 43910 સાથે ત્રીજા, ઉત્તર પ્રદેશ 41746 સાથે ચોથા અને મહારાષ્ટ્ર 33383 સાથે પાંચમાં સ્થાને છે. માર્ગ અકસ્માતથી સૌથી વધુ મૃત્યુમાં ઉત્તર પ્રદેશ 22595 સાથે મોખરે, મહારાષ્ટ્ર 15224 સાથે બીજા અને મધ્ય પ્રદેશ 13427 સાથે ત્રીજા ક્રમે છે.
હવે આ વર્ષની વાત કરવામાં આવે તો માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત 9587 સાથે બીજો, વડોદરા 6307 સાથે ત્રીજો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં ગત વર્ષે પ્રથમ સાત મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાના કુલ 92194 કેસ નોંધાયા હતા. માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં સાધારણ વધારો થયો છે. અમદાવાદમાં માર્ગ અકસ્માતથી ઈજાની ગત વર્ષે 15147 ઘટના નોંધાઈ હતી.