રાજયસભામાં એક બેઠક જીતવા જોઇતા 37 મત પણ ગુજરાત કોંગ્રેસ પાસે નથી
- કોંગ્રેસ પાસે રાજયસભાના એક જ સભ્ય રહેશે
અમદાવાદ,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જશે.આ ચારેય બેઠકોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે.
ભાજપને ચાર બેઠક માટે 148 મત જોઇએ, 156 મત અકબંધ છે
જો આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને તો એક બેઠક માટે પણ 22 મતો ખુટે છે.
આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે.
આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે હવે એક માત્ર શક્તિસિંહ ગોહિલ જ રાજ્યસભાના સભ્ય રહી જશે. તે પણ વર્ષ 2026માં નિવૃત થવા જઇ રહ્યા છે.