આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયાના 12 કલાક પછી પણ વિશ્વામિત્રીની સપાટી ઘટી નથી, ઉલટાનું નવા વિસ્તારો પૂરના ભરડામાં
વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેરને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે 11 વાગ્યાથી આજવામાં પાણી છોડવાનું બંધ કર્યુ હતું.
જેથી આજવાનુ પાણી વિશ્વામિત્રીમાં આવતુ બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે.જોકે કેલક્યુલેટેડ રિસ્ક તરીકે ગણાવાયેલા આ નિર્ણયની અસર પણ જોવા મળી નથી. 12 કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓસરી રહ્યું નથી. ઉલટાનુ હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.
કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે શહેરમાં વિશ્વામિત્રીના પાણીનો કહેર યથાવત છે.
મળતી વિગતો અનુસાર પહેલેથી જ પાણીમાં ગરકાવ વિસ્તારો તો બેહાલ છે જ પણ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.
આ વિસ્તારોના લોકો કશું સમજે તે પહેલા આજે સવારથી તેમની સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી પ્રવેશવા માંડ્યા હતા. અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે, વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જોવા મળ્યાં છે.
આમ વડોદરામાં વિશ્વામિત્રીના પાણી નવા નવા વિસ્તારોને ભરડો લઈ રહ્યા હોવાથી શહેરની સ્થિતિ વધારે કફોડી બની રહી છે. ઉપરાંત વિશ્વામિત્રીના પાણીની સપાટી હવે ક્યારે ઘટશે તે અંગે કોઈ કશું કહી શકે તેમ નથી.