Get The App

ભેજાબાજ એન્જિનિયરે યુ-ટયુબ પર વીડિયો જોઇ ગુજરાત સહિત દેશભરની ઢગલાબંધ બેન્કોને ચૂનો ચોપડ્યો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Bank-ATM


Bank Fraud : હરિયાણાના નુહુ જીલ્લાના ફિરોઝપુર તાલુકાના કંસાલી ગામના ડીપ્લોમાં ઈન મિકેનીકલ એન્જિનિયરની ડીગ્રી ધરાવતા અનિશ  સફી મોહમદ મવ (ઉ.વ.31)ને ભક્તિનગર પોલીસે ઝડપી લીધો છે. અનિશ બેકાર બની જતાં યુ-ટયુબમાં વીડિયો જોઈ એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો હતો. આ ભેજાબાજ એટીએમ મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનીટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી નાખતો હતો. ત્યાર બાદ પૈસા ઉપાડી મોનીટરમાં રહેલી સ્વીચ બંધ કરી નાખતો હતો. 

ત્યારબાદ ટ્રાન્ઝેકશનમાં એરર ઉભી કરી એટલે કે ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી નાખતો હતો. પછી તે બેન્કના હેલ્પલાઈન નંબર પર કોલ કરી, જે-તે એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ખાતામાંથી પૈસા કપાઈ ગયાનું પરંતુ એટીએમમાંથી નહીં મળ્યાની બોગસ ફરિયાદો કરી બેન્કો પાસેથી ટ્રાન્ઝેકશન કરેલા રૂપિયા પોતાના ખાતામાં રીવર્સ કરાવી છેતરપિંડી આચરતો હતો. 

મૂળ હરિયાણાનો આરોપી બેકાર બની જતાં યુ-ટયુબમાં વીડિયો જોઈ એટીએમ ફ્રોડના રવાડે ચડ્યો હતો

તેણે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ પ્રકારે સંખ્યાબંધ બેન્કો સાથે છેતરપીંડી કર્યાનું બહાર આવ્યું છે. રાજકોટના નાગરિક બેન્ક ચોક પાસે શ્યામ કોમ્પલેક્ષમાં કેનેરા બેન્કનું એટીએમ આવેલું છે. જયાં અનિશે પ્રવેશ કરી રૂા.9 હજાર ઉપાડી લીધા બાદ એટીએમમાં ચેડા કરી ટ્રાન્ઝેકશન ડીકલાઈન કરાવી, રૂપિયા 9 હજાર પરત મેળવવા માટે ફરિયાદ કરી હતી. પરંતુ તેનો ભાંડો ફૂટી જતાં બેન્કે તેના વિરૂદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પીઆઈ મયુરઘ્વજસિંહ સરવૈયા અને પીએસઆઈ એમ.એન. વસાવાએ તપાસ શરૂ કરી તેને ઝડપી લીધો હતો. 

તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલા બે એટીએમ કાર્ડ ઉપરાંત જુદી-જુદી બેન્કોના 31 મળી કુલ 33 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત એટીએમનું મોનીટર ખોલવા માટે ઉપયોગમાં લેવાતી બે ચાવીઓ પણ કબજે કરી હતી. તેના મોબાઈલ સહિત કુલ રૂપિયા 5 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આરોપી અનિશની પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે તે અગાઉ સાણંદમાં એક ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરતો હતો. જે કંપની બંધ થઈ જતાં હરિયાણા જતો રહ્યો હતો. જયાંના ઈલેકટ્રીક વિભાગમાં જૂનિયર કલાર્કની પરીક્ષા માટે એકાદ વર્ષ સુધી તૈયારી કરી હતી. પરંતુ તે પરીક્ષામાં નાપાસ થયો હતો. જેને કારણે બેકાર રખડતો હતો.

આ વખતે એક મિત્ર મળી જતાં  તેણે એટીએમ ફ્રોડ વિશે માહિતી આપી હતી. ત્યાર પછી તેણે યુ-ટયુબમાંથી કઈ રીતે ફ્રોડ કરવો તેના વીડિયો જોઈ માહિતી મેળવી હતી. જેના આધારે તેણે એટીએમ ફ્રોડ શરૂ કરી દીધા હતા. શરૂઆતમાં હરિયાણા ત્યાર પછી રાજસ્થાન અને ગુજરાતમાં ફ્રોડ કરતો હતો. 

ગુજરાતમાં તેણે નડીયાદમાં બે વખત, અમદાવાદમાં ચારથી પાંચ વખત, જામનગરમાં છ વખત, રાજકોટમાં સાતથી આઠ વખત, કચ્છના ગાંધીધામમાં બે વખત ઉપરાંત સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ફ્રોડ કર્યા હતા. છેલ્લા બે વર્ષથી સંખ્યાબંધ બેન્કો સાથે તેણે ફ્રોડ કર્યા હતા. પરંતુ પહેલી વાર જ પકડાયો છે. તે જુદા-જુદા બેન્ક ખાતા ભાડેથી રાખી, તેના એટીએમ કાર્ડ મેળવી લઈ ફ્રોડ કરતો હતો. 

10 હજાર કરતાં ઓછી રકમ હોવાથી 60 ટકા કિસ્સામાં બેન્ક રકમ આપતી 

આરોપી અનિશ એટીએમમાંથી નવ કે સાડા નવ હજાર ઉપાડી ટ્રાન્જેકશન ડીકલાઈન કરાવી તેટલી રકમ પરત મેળવવા માટે બેન્કોના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરતો હતો. તે હંમેશા નવ કે સાડા નવ હજારની રકમ એટલે કઢાવતો કારણ કે જો રકમ 10 હજારથી વઘુ હોય તો બેન્કો તત્કાળ તે રકમની એપ્રુવલ આપતી નથી અને ઉંડાણપૂર્વકની તપાસ કરે છે. જેને કારણે જ  આરોપી અનિશ રૂા.10 કરતાં ઓછી રકમ કઢાવી તે પરત મેળવવા માટે કલેઈમ કરતો હતો. 

તેણે પોલીસને જણાવ્યું કે તેણે કલેઈમ કરેલા કેસોમાં રેશિયો 60:40નો હતો. 60 ટકા કિસ્સાઓમાં તેને રકમ મળી જતી હતી. જયારે 40 ટકા કિસ્સામાં બેન્કો જયારે એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતી ત્યારે તેમાં તે રકમ ઉપાડતો હોવાના દ્રશ્યો કેદ થઈ ગયા હોવાથી તેને રકમ આપતી ન હતી એટલે કે તેના ખાતામાં તે રકમ રીવર્સ કરતી ન હતી.



Google NewsGoogle News