નહેરૂનગરમાં ફાયરીંગમાં ઇજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
એક વર્ષ પહેલા થયેલી હત્યાના કેસની અદાવતમાં હુમલાની આશંકા
. ફાયરીંગમાં ગોળી નાના મગજમાં ફસાઇ જતા ઓપરેશન દરમિયાન મોત થયું ઃ એલિસબ્રીજ પોલીસે ત્રણ શંકમદોની અટકાયત કરી પુછપરછ શરૂ કરી
અમદાવાદ,રવિવાર
શહેરના નહેરૂનગર સર્કલ- ધરણીધર રોડ પર શનિવારે મોડી સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ શાકભાજીના વેપારી પર કરેલા ફાયરીંગમાં ગોળી વેપારીના નાના મગજમાં ફસાઇ જતા મોડી રાત્રે વેપારીનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું. એક વર્ષ પહેલા પહેલા મૃતકના મોટાભાઇની રાજસ્થાનના શિરોહીમાં હત્યા થઇ હતી. જેની અદાવત રાખીને એક મહિના પહેલા પણ વેપારી પર બાઇક પર આવેલા બે લોકોએ છરીથી ઘાતકી હુમલો કર્યો હતો. ત્યારબાદ જુની અદાવતમાં જ વેપારી પર ફાયરીંગ કરવામાં આવ્યાની શક્યતાને આધારે એલિસબ્રીજ પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે નહેરૂનગરમા આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા બદાજી મોદી તેમના ઘર પાસેના કોમ્પ્લેક્સમાં શાકભાજી અને ફ્રુટના વેચાણનો વ્યવસાય કરે છે. શનિવારે રાતના આઠ વાગ્યાના સુમારે તે તેમના પુત્ર સાથે દુકાન પર હતા ત્યારે બાઇક પર બુકાનીધારી બે યુવકો ટાગોર ચોકી તરફથી આવ્યા હતા . આ સમયે બદાજી અને તેમનો પુત્ર કઇ સમજે તે પહેલા જ એક યુવકે તેમની નજીક આવીને રિવોલ્વર કાઢીને બદાજીના માથા પર ફાયરીંગ કર્યું હતું. પરંતુ, આ સમયે તે સાઇડમાં ખસી જતા ગોળી કાનમાંથી અંદર પેસી ગઇ હતી અને તે ઢળી પડયા હતા. આ સમયે આસપાસના લોકો પીછો કરે તે પહેલા ગણતરીની સેકન્ડમાં બંને જણા બાઇક પર ફરાર ગયા હતા. જેથી તેમનો પુત્ર રતનલાલ તેમને સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે ેએક વર્ષ પહેલા બદાજીના મોટાભાઇનું રાજસ્થાનના શિરોહીમાં મર્ડર થયું હતું. જે ધરણીધર ચાર રસ્તા પાસે બોરાણા વેજીટેબલ નામની શોપ ધરાવતા હતા. જે બાબતને લઇને પારીવારિક અદાવત ચાલતી હતી. જેથી આ હત્યા તેમના દ્વારા જ કરવામાં આવી હોવાની પ્રબળ શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઇ બી ડી ઝીલરિયાએ જણાવ્યું કે અગાઉની અદાવતમાં હત્યા કરાયાની મહત્વની કડી મળી છે. જેના આધારે ત્રણ શકમંદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.