અમરાઇવાડી, જમાલપુરમાંથી ચાઇનીઝ દોરીના રૃા.૧.૬૨ લાખના ૭૬૦ ટેલર સાથે ચાર ઝડપાયા
ઉતરાય પહેલા પૂર્વ વિસ્તારમાં પ્રતિબંધિત ઘાતક દોરીનું બેરોકટોક ધૂમ વેચાણ
કારમાં સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે ઘાતક દોરી વેચવા આવેલા
અમદાવાદ, શુક્રવાર
ઉતરાયણ તહેવાર પહેલા પૂર્વ વિસ્તારમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો બેરકોટક વેપલો થઇ રહ્યો છે. અમરાઈવાડી પોલીસે રૃા.૧.૫૬ લાખની ૭૪૪ ચાઇનીઝ દોરીના ટેલર સાથે ત્રણ આરોપીની હાટકેશ્વર ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી હતી જ્યારે જમાલપુર ફાયર બ્રિગેડ પાસેથી ૧૫ ટેલર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો આમ અમદાવાદના પૂર્વમાંથી પોલીસે રૃા. ૧.૬૨ લાખના ૭૬૦ ટેલર સાથે ચાર લોકોને ઝડપી પાડયા હતા. અમરાઇવાડીમાં કારમાં ઘાતક ચાઇનીઝ દોરીનો જથ્થો વેચવા આવેલા ત્રણને રંગેહાથ ઝડપી પાડયા હતા.
અમરાઇવાડીમાં કારમાં સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે ઘાતક દોરી વેચવા આવેલા ત્રણ અને જમાલપુર ફાયરબ્રિગેડ પાસેથી એક શખ્સ દોરીના ૧૫ ટેલર સાથે પકડાયો
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે પ્રતિબંધિત ઘાતક ચાઇનીઝ દોરી અને તૂક્કલોનો બેરોકટોક વેપલો થઇ રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે અમરાઇવાડી પોલીસે હાટકેશ્વર સર્કલ પાસે સૂર્યનગર હરીઓમ ફ્લેટના નીચે ખૂલ્લી જગ્યામાં કારમાં ચાઇનીઝ દોરીનો જથ્થો વેચનારા ત્રણ આરોપીને પકડી પાડયા હતા. જેમાં ગોમતીપુરમાં રહેતા
આસીફખાન પઠાણ તથા મોહમદતુફેલ અંસારી અને સોનું મોહમદને ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ કરતા કારમાંથી પ્લાસ્ટીકના કોથળામાંથી ચાઇનીઝ દોરીના ૭૪૪ ટેલરો મળી આવ્યા હતા. જેની કિંમત રૃા. ૧.૫૬ લાખ થાય છે, અમરાઇવાડી પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોધીને તેમની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે તેમની પાસેથી કાર અને ચાઇનીઝ દોરી સહિત કુલ રૃા.૨.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉપરાંત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે સમયે ચોક્કસ બાતમી મળી હતી કે જમાલપુર પાસે એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે. તેના આધારે પોલીસે શંકાસ્પદ યુવકને પકડી પાડયા હતો પોલીસ તપાસમાં અમીત વાઘેલા દહેગામમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેના થેલો તપાસતા તેમાંથી ચાઇનીઝ દોરીના ૧૫ રીલ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે યુવક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. પોલીસે દ્વારા વેચાણ કરનાર અને ખરીદનારા એમ બંને સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.