ખૂલ્લી તલવારો સાથે ડાન્સ કરી વિડિયો બનાવનાર ચાર પકડાયા
રામોલમાં બર્થ-ડે પાર્ટીમાં શખ્સ એક હાથમાં બાળક અને બીજા હાથમાં તલવાર સાથે નાચતો હતો
તુમસે કુરબાન મેરી જાન ગીત સાથે ડાન્સ કરવા લાગ્યા હતા
અમદાવાદ, રવિવાર
રામોલમાં સમાજિક તત્વો પોલીસનો ડર જ ના રહ્યો હોય અને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ છાછવારે ખૂલ્લી તલવારો સાથે આતંક મચાવી રહ્યા છે. તાજેતરમાં રામોલ વિસ્તારમાં ધાબાવાળી ચાલીમાં રહેતા ચાર લૂખ્ખા તત્વો હાથમાં ખૂલ્લી તલવાર લઈને બર્થ-ડે પાર્ટીમાં ડાન્સ કરતા હોય તેવા વિડીયો સોશિયાલ મિડિયામાં વાયરલ કર્યા હતા. પોલીસે ચારેય શખ્સોની હથિયારો સાથે ધરપકડ કરીને માફી મંગાવતા વિડિયો બનાવ્યો હતો.
વિડિયો વાયરલ થતાં રામોલ પોલીસ હરકતમાં આવી અને ચારેય લૂખ્ખા તત્વોને દબોચી લીધા
પૂર્વ વિસ્તારમાં સામાન્ય બાબતે વાહનોમાં તોડફોડ કરીને તલવારો સાથે દેખાવોે કરવાના કિસ્સા વધી રહ્યા છે.એટલું જ નહી આવા વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ પણ કરવામા આવી રહ્યા છે. તા.૬ના રોજ રામોલમાં આવેલી સુરતી સોસાયટી નજીક ધાબાવાળી ચાલીમાં રહેતા એક યુવકના જન્મ દિવસની ઉજવણી દરમિયાન લૂખ્ખા તત્વો હાથમાં ખૂલ્લી તલવાર સાથે સ્ટેજ પર ચઢીને તુમસે કુરબાન મેરી જાન ગીત સાથે ડાન્સ કરવા લાગ્યા હતા.
આરોપીઓએ લોકોએ તલવાર સાથે ડાન્સ કરતા હોય તેવા વિડીયોને સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને વાઈરલ કર્યા હતા જેમાં એક શખ્સ તો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં નાના બાળક સાથે ડાન્સ કરતો નજરે પડી રહ્યો હતો. રામોલ પોલીસે વિડિયો આધારે તેઓ સામે ગુનો નોંધીને તલાવાર સાથે ડાન્સ કરી રહેલા રામોલ ખાતે રહેતા નાસીરખાન પઠાણ અને ફેજલ ખાન પઠાણ તથા બાબાખાન પઠાણની ધરપકડ કરી હતી.