Get The App

કોરોના-પ્રદૂષણની અસર : શ્વાસની સમસ્યાના દર્દીમાં 25 ટકાનો વધારો

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
કોરોના-પ્રદૂષણની અસર : શ્વાસની સમસ્યાના દર્દીમાં 25 ટકાનો વધારો 1 - image

image : Freepik

- શ્વાસની સમસ્યા સાથે રોજના 255 ઈમરજન્સી કેસ

અમદાવાદ,તા.30 ડિસેમ્બર 2023,શુક્રવાર

કોરોનાના પગપેસારાને હવે ટૂંક સમયમાં ચાર વર્ષ પૂરા થશે. ચાર વર્ષમાં કોરોનાનો ભય ભલે જનમાનસમાંથી ઓસરી ગયો હોય પણ તેના લીધે સ્વાસ્થ્યમાં હજુ પણ અસર જોવા મળી રહી છે. પોસ્ટ કોવિડ ઈફેક્ટ તેમજ વધતા જતાં પ્રદૂષણને પગલે શ્વાસના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં જ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 25 ટકાનો વધારો થયો છે. 

વર્ષ 2023માં હૃદયની સમસ્યાના 72 હજારથી વધુ કેસ, 2021ની સરખામણીએ 60 ટકાનો વધારો નોંધાયો

ઈમરજન્સી સેવા '108' દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓ 2021માં 66 હજાર, 2022માં 74780 જ્યારે 2023માં અત્યારસુધી 92286 નોંધાયા છે. આમ, 2022ની સરખામણીએ 2023માં શ્વાસની સમસ્યાના દર્દીઓમાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. 2021ની સરખામણીએ આ વધારો 40 ટકા જેટલો છે. આ સ્થિતિએ વર્ષ 2023માં શ્વાસની ઈમરજન્સીના દરરોજ સરેરાશ 255 કેસ નોંધાયા છે. 

આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું કે, 'કોરોના બાદ અનેક લોકોના ફેફસાને ગંભીર અસર પહોંચી છે. આ ઉપરાંત પ્રદૂષણના વધતા સ્તરથી પણ શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. વાયરલ ન્યૂમોનિયાના કેસમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં શ્વાસની સમસ્યા હોય તેવા દર્દીઓ, વૃદ્ધો, કો મોર્બિડિટી ધરાવનારાઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ. જેના ભાગરૂપે અનેક લોકો એકત્ર થયા હોય તેવા સ્થળોએ તેમણે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે. શરદી-ઉધરસ હોય તેમણે પણ માસ્ક પહેરી રાખવું જોઇએ. આ ઉપરાંત ડોક્ટરની સલાહ બાદ ઈન્ફ્લૂએન્ઝાની વેક્સિન પણ લઇ લેવામાં આવે તે જરૂરી છે. ' 

દરમિયાન વર્ષ 2022 કરતાં વર્ષ 2023માં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓમાં પણ વધારો થયો છે. 2022માં હૃદયની સમસ્યાના 56277 દર્દી હતા અને જે 2023માં અત્યારસુધી 71961 નોંધાયા છે. વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42555 દર્દી નોંધાયા હતા. તમામ પ્રકારની ઈમરજન્સીમાં 2022 કરતાં 2023માં વધારો થયો છે. 2022માં 12.87 લાખ અને 2023માં 13.57 લાખ ઈમરજન્સી નોંધાયેલી છે. આ વર્ષે વાહન અકસ્માતથી ઈજાના દરરોજ સરેરાશ 425 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં ત્રણ વર્ષમાં મેડિકલ ઈમરજન્સીના કેસ

કેસ    

2021      

2022

2023

ગર્ભાવસ્થા                         

3.26 લાખ

4.46 લાખ

4.13 લાખ

વાહન અકસ્માત       

1.21 લાખ

1.46 લાખ

1.55 લાખ

 

પેટમાં દુઃખાવો                        

93919

1.39 લાખ

1.62 લાખ

શ્વાસમાં સમસ્યા                                

66333

74780

92286

હૃદય                                  

42555

56277

71961

સખત તાવ                                       

35654

49495

63603


Google NewsGoogle News