દ્વારકાધીશને સોનાનો શણગાર, બેસતા વર્ષે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ કરી નવ વર્ષની શરૂઆત
Dwarkadhish Temple: સમગ્ર ગુજરાતમાં આજે ગુજરાતી નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ઘણાં ભક્તો ભગવાનના આશીર્વાદ લઈને પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં નવા વર્ષના પહેલાં દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે. દેવભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતાં અને ભગવાનના આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરી હતી. નવા વર્ષના પ્રારંભે ભગવાન દ્વારકાધીશને પણ સોને મઢવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ નવા વર્ષે ભગવાન શામળિયાને મળી 30 લાખની સૂવર્ણ પાદુકા, હિંમતનગરના પરિવારે અર્પણ કરી ભેટ
ભગવાન કૃષ્ણને સોનેરી રંગના વાઘા
દેવભૂમિ દ્વારકામાં વિક્રમ સંવત 2081ના પ્રારંભે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. નૂતન વર્ષના પ્રારંભે ભગવાન કૃષ્ણને સોનેરી રંગના વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભૂષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
સોમનાથમાં ભક્તોની ભારે ભીડ
નૂતન વર્ષના પ્રારંભે સોમનાથમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાઈન લાગી હતી. નૂતન વર્ષે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.