તંત્રની બેવડી નીતિના કારણે દ્વારકામાં મુસાફરોને હાલાકી, જોખમી રીતે નદી પાર કરી કરવા પડ્યા દર્શન
Gujarat News: ગુજરાત સહિત દેશવિદેશમાં લોકો અત્યારે નાતાલના વેકેશનની મજા માણી રહ્યાં છે. એવામાં ગુજરાતીઓ 2024ના મીની વેકેશનમાં દ્વારકાની મુલાકાત લઈ રહ્યાં છે. દ્વારકામાં મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા છે. પરંતુ, સુદામા બ્રિજ બંધ હોવાના કારણે જાણે લોકોની મજા સજામાં ફેરવાઈ રહી છે. પ્રવાસીઓને ગોમતી ઘાટ પાસે દર્શન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ભક્તોએ દર્શન કરવા માટે બજારની બહાર સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. દર્શનાર્થે આવેલાં ભક્તોની એક કિમીથી પણ વધારે લાંબી લાઇન જોવા મળી રહી છે.
જોખમી મુસાફરી માટે બન્યા મજબૂર
હાલ દ્વારકા દર્શનાર્થે આવેલાં ગોમતી નદી સામે આવેલાં પૌરાણિક તીર્થ સ્થાનો પર જવા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કારણકે, ગોમતી ઘાટ પાસે આવેલા સુદામા સેતુ બ્રિજ છેલ્લાં કેટલાંક સમયથી બંધ છે. જેના કારણે લોકો નદીમાંથી પસાર થઈને સામે કાંઠે મંદિરે જઈ રહ્યાં છે. ઘણાં લોકો બાળકો સાથે જોખમી રીતે નદી પાર કરતાં હોવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ સંભાવના છે.
આ પણ વાંચોઃ સુરતમાં દીકરીઓ સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, હેવાન પતિની ધરપકડ
તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ
નોંધનીય છે કે, દ્વારકાના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે સુદામા સેતુ બ્રિજ લોકોની સુરક્ષા માટે બંધ કરાયો હતો. પરંતુ, બ્રિજ પર લખેલાં નિયમો જાણે શોભાના ગાંઠિયા બનીને રહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સિવાય મોટા VIP લોકો તેમજ સરકારી ઇવેન્ટમાં આ બ્રિજ ખોલી દેવામાં આવે છે, ત્યારે ફક્ત સામાન્ય લોકો માટે જ આ બ્રિજ કેમ બંધ રાખવામાં આવ્યો છે? તંત્રની બેવડી નીતિના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સિવાય દ્વારકા આવતા લોકો જલ્દી સુદામા બ્રિજ ખોલવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.