બાવળા નજીક કાર અકસ્માતમાં પોલીસકર્મીનું કમકમાટી મોત, 3 પોલીસકર્મીને ઇજા
Accident Near Bavala : અમદાવાદ હાઈકોર્ટના મુદતમાંથી પરત ફરતા સર્જાયેલા અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓ હાઇકોર્ટની મુદતે અમદાવાદ જઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે મોડી રાત્રે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ પડતા આ અકસ્માતમાં દ્વારકાના પોલીસ જમાદારનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય પોલીસ કર્મીઓને ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા પોલીસ મથકમાં વરવાળા આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં જમાદાર તરીકે ફરજ બજાવી રહેલા ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ગોજીયા ગામ 31 વર્ષના પોલીસ કર્મચારી તેમની સાથે અન્ય પોલીસ કર્મી હરપાલસિંહ, દિલીપસિંહ તથા અળશીભાઈ ગોજીયા સાથે અમદાવાદમાં હાઇકોર્ટની મુદતે ગયા હતા. કારમાં ગયેલા આ ચાર પોલીસ કર્મચારીઓ તેમની કારમાં શુક્રવારે રાત્રે પરત આવી રહ્યા હતા, ત્યારે અમદાવાદથી થોડે દુર બાવળા નજીક પહોંચતા તેઓની કાર રસ્તા પરના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ બનાવ બનતા કારમાં બેઠેલા ભાયાભાઈનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય પોલીસ કર્મચારીઓ હરપાલસિંહ અને દિલીપસિંહને પણ ઈજાઓ થવા પામી હતી. આ બનાવ બન્યા બાદ આ માર્ગ પરથી પસાર થઈ રહેલા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડને માહિતી મળતા તેઓ આ સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક ભાયાભાઈ ઉર્ફે ભાવેશભાઈ આહિર પરિવારના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના વતની હતા. દ્વારકા પોલીસ મથકના વરવાળા આઉટ પોસ્ટ બીટ ખાતે છે. ફરજ બજાવતા મૃતક ભાયાભાઈને બે માસુમ પુત્રીઓ હતી. તેમનું અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજતા બંને પુત્રીઓ પિતાની છત્ર છાયા વગરની થઈ ગઈ છે. આ બનાવ બનતા કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામ સાથે પોલીસ બેડામાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.