વાઈબ્રન્ટ સમિટની સફળતાના કારણે વીસ વર્ષમાં GDP 21.61 લાખ કરોડે પહોંચ્યો છે
- 2024ની 'ગેટવે ટુ ધ ફ્યુચર'ની થીમ આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત બનાવશે
ગાંધીનગર, તા. 09 જાન્યુઆરી 2024, મંગળવાર
10મી વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટની યજમાની માટે ગુજરાત સજ્જ હોવાનું કહીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં શરૂ કરવામાં આવેલી આ સમિટ ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પસંદગીનું પ્રથમ સ્થળ બનવાના તેના પ્રારંભિક મિશનથી પણ આગળ વધીને આજે નવા ભારતને આકાર આપવામાં પ્રેરકબળ બની છે.
હવે રાજ્યે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇ-મોબિલિટી જેવા ઉભરતાં ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રીત કર્યું છે
મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દ્વિવાર્ષિક સમિટ માત્ર ગુજરાતની ગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાને જ ઉજાગર કરી નથી પરંતુ અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી એકમો શરૂ કરવા ઉદ્યોગોને આદર્શ મંચ પુરો પાડયો છે. રાજ્યમાં રોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશ્યની સાથે આ સમિટે સામાજિક અને આર્થિક વિકાસને પણ ઉત્તેજન આપ્યું છે. સમયની સાથે તે એક આગવી પહેલ તરીકે વિકસિત થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોને આ પ્રકારની સમિટનું આયોજન કરવા માટે ગુજરાતે પ્રેરણા આપી છે. આ ઇવેન્ટ એ વૈશ્વિક કાર્યક્રમ બની ગયો છે. યાત્રાના 20 વર્ષ દરમ્યાન રાજ્યની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વધીને 21.61 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જે દેશના જીડીપીમાં 8.3 ટકાનો ફાળો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકાનું યોગદાન આપે છે. એ ઉપરાંત નિકાસમાં ૩૩ ટકા હિસ્સો બન્યો છે.
માત્ર મેન્યુફેક્ચરીંગ, ઓટોમોબાઇલ કે ફાર્માસ્યુટિકલ જ નહીં પણ અન્ય સેક્ટરોમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. આજે ગુજરાતમાં ૧૫ લાખ કરતાં વધુ એમએસએમઇ છે, જે ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મહત્વ ધરાવે છે. ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ પણ ગુજરાત ધરાવે છે. રાજ્યમાં બંદરોનું વિશાળ નેટવર્ક છે. એ ઉપરાંત ડીએમઆઇસી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, બલ્ક ડ્રગ પાર્ક, પીએમ મિત્ર પાર્ક, માંડલ-બેચરાજી અને ધોલેરા એસઆઇઆઇ તેમજ પેટ્રોકેમ ઇન્વેસ્ટમેન્ટ રિઝન પણ ગુજરાતમાં છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હવે ભવિષ્યની ટેકનોલોજી માટે રાજ્યએ સેમિકન્ડક્ટર ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇ-મોબિલિટી જેવા ઉભરતાં ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રીય કર્યું છે. આ વાયબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે, જે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત બનાવશે. પાછલી સમિટની જેમ આ વખતે પણ ગુજરાત બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક-આર્થિક વિકાસની ભાગીદારીનો મંચ બનશે, જે મોદીના વિકસિત ભારત@2047ને સાકાર કરશે.