Get The App

મ્યુનિ.તંત્રની બેદરકારીથી જોધપુરના એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી,ભોંયરામાં પાણી ભરાયા

કોર્પોરેશન સત્તાવાળાઓએ સતત ચોખ્ખા પાણીનો બગાડ અટકાવવા કાર્યવાહી ના કરી

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News

    મ્યુનિ.તંત્રની બેદરકારીથી  જોધપુરના એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડી,ભોંયરામાં પાણી ભરાયા 1 - image 

  અમદાવાદ,સોમવાર,27 નવેમ્બર,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પમ્પિંગ સ્ટેશનની બેદરકારીના કારણે જોધપુર વોર્ડમાં આવેલા વ્રજભૂમિ એપાર્ટમેન્ટની દિવાલ સોમવારે સવારે ધસી પડી હતી.ભોંયરામાં સાત ફુટ જેટલા પાણી ભરાયા હતા.કોર્પોરેશન સત્તાવાળાઓ સમક્ષ ચોખ્ખા પાણીનો બગાડ અટકાવવા સતત રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો રહીશો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વ્રજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે સોમવારે સવારે ચાર કલાકના સુમારે એપાર્ટમેન્ટની દિવાલ ધસી પડતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી.કોર્પોરેશનની ઓવરહેડ ટાંકી સતત ઓવરફલો  થતી હોવાના કારણે આ ઘટના બનવા પામી હોવાનો રહીશો તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો.સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી ન હતી.એપાર્ટમેન્ટના રહીશોએ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો ઉપરાંત ધારાસભ્ય અમિત ઠાકરને લેખિત રજુઆત કરી સોસાયટીના બેઝમેન્ટમાં આવેલા સમ્પમાં પાણીની ટાંકી ઉભરાય ત્યારે અને ટાંકીની સફાઈ કરવામાં આવે તે સમયે સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાતા હોવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો ઉલ્લેખ કર્યો હતો.અગાઉ સ્થાનિક કોર્પોરેટરોએ આ બાબતને ધ્યાનમાં રાખી પેવરબ્લોક નાંખ્યા હતા.પાણી ઓવરફલો થઈ બહાર નીકળી જાય એ માટે કેચપીટ બનાવી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.લીકેજના કારણે પાણી ઉભરાઈને સોસાયટી તરફ આવતુ હોવા બાબતે વોર્ડના ચારે કોર્પોરેટરો અને મ્યુનિ.તંત્રના અધિકારીઆને જાણ કરી હોવાછતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાથી પેવરબ્લોકની જગ્યાએ આર.સી.સી.કામ કરાવવા ધારાસભ્યને લેખિત રજુઆત કરાઈ હતી.


Google NewsGoogle News