અમદાવાદ સરેરાશ 10 ઈંચ વરસાદમાં પાણી-પાણી થઈ ગયું, સત્તાધીશો કન્ટ્રોલ રૂમમાં બેસીને જોતા રહ્યા
Ahmedabad Rain Update : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ વહીવટીતંત્ર અને શાસકોની નિષ્ક્રીયતાના પાપે સરેરાશ દસ ઈંચ વરસાદમાં શહેર આખુ જળબંબાકાર બની ગયું હતું. સોમવારે બપોરે શહેરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહયો હતો તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ પાલડી ખાતે આવેલા સ્માર્ટસિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસીને શહેરની દુર્દશા જોઈ પરંતુ એક પણ પદાધિકારી ફિલ્ડમાં ગયા ન હતા. સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરની વર્તમાન પરિસ્થિતિ અંગે મિડીયા સમક્ષ આવવાની હિંમત પણ કરી શકયા નથી.
શહેરમાં આમ તો રવિવારની રાતથી વરસાદની શરુઆત થઈ હતી.સોમવારે બપોરના સમયથી વિઝીબિલિટી ઘટવાની સાથે કાળા ડીબાંગ વાદળો સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.એક પણ વિસ્તાર એવો નહોતો કે જયાં વરસાદ તોફાની બેટીંગ કરતો ના હોય. અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલો મણિનગર વિસ્તાર હોય કે ઉત્તરઝોનમાં આવેલો નરોડા વિસ્તાર આ વિસ્તારોમાં તો 36 કલાકના સમયમાં નવ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રના એક પણ અધિકારી કે સત્તાધારી કે વિપક્ષના કોર્પોરેટરો તેમના વોર્ડ વિસ્તારમા પણ ફરકયા નહતા. શહેર આખુ જાણે કે અલગ અલગ ટાપુઓમાં ફેરવાઈ ગયુ હોય એવા દ્રશ્યો જોવા મળતા હતા.અમદાવાદમાં 1986માં સમાવવામાં આવેલા ઉત્તરઝોનના વિવિધ વિસ્તારોની સાથે ત્રણ વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામા આવેલા બોપલ,ઘુમા,શેલા સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી વિવિધ સોસાયટીઓ,રસ્તાઓ જાણે કે નદી બની ગયા હોય એવા દ્રશ્યોના વિડીયો બનાવી સ્થાનિક લોકોએ સોશિયલ મિડીયામાં વાઈરલ કર્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદ બંધ થયો, 24 કલાક પછી પણ વરસાદી પાણી નહીં ઓસર્યા એવા સ્થળ કયા...
આમ છતાં મ્યુનિસિપલ વહીવટી તંત્રના અધિકારીઓ કે શહેરના મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના હોદ્દેદારોએ શહેરની ભારે વરસાદને લઈ સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભમાં મગનુ નામ મરી પાડવાનુ પણ ટાળી દીધુ હતુ. એક પેડ મા કે નામના શિર્ષક હેઠળ વૃક્ષ રોપી સોશિયલ મિડીયામા ફોટા અપલોડ કરી મુકનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરો,નેતાઆને સોમવારે ભારે વરસાદને પગલે ટાઢ વાઈ તાવ આવી ગયો હોય એવી પરિસ્થિતિ જોવા મળી હતી.
મ્યુનિ.ના અધિકારીઓ મિટીંગ એટેન્ડ કરવામાંથી જ બહાર ના આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને છેલ્લા એક વર્ષથી પણ વધુના સમયથી મિટીંગના નામે વ્યસ્ત રાખવામાં આવે છે.કયારેક રિવરફ્રન્ટ ખાતે તો કયારેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો કયારેક વોર્ડ મિટીંગમાં સતત મિટીંગ એટેન્ડ કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અન્ય ઉચ્ચ અધિકારીઓને તો તેમના વોર્ડની ભૂગોળ પણ ખબર નથી તો વરસાદી પાણીનો નિકાલ તો કયાંથી કરાવે.
આ પણ વાંચો : કેચપીટ-મેનહોલની સફાઈ પાછળ 35 કરોડનું આંધણ કરાયા પછી પણ અમદાવાદ આખું જળબંબાકાર
વાસણા બેરેજના 19 દરવાજા 3થી 4 ફુટ સુધી ખોલાયા
એન.એમ.સી.માંથી 11605 કયૂસેક, સંત સરોવરમાંથી 12262 કયૂસેક પાણીનો ઈનફલો હોવાથી વાસણા બેરેજનુ લેવલ જાળવી રાખવા બેરેજના ગેટ નંબર-9થી 24 ત્રણ ફુટ તથા ગેટ નંબર-25થી 29 ચાર ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.નદીમાં સાંજે પાંચ કલાકે 21171 કયૂસેક પાણીનો આઉટફલો હતો.બેરેજનુ લેવલ 127.50 ફુટ નોંધાયુ હતુ.
સરસપુરમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નહીં
સોમવારે બપોરે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ પડયો હતો.મંગળવારે 27 ઓગસ્ટે બપોરે ત્રણ કલાકે 24 કલાક પુરા થયા પછી પણ સરસપુર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં મ્યુનિસિપલ વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યું હતું.
ગોમતીપુર,સોલા વિસ્તારમાં મસમોટા ભુવા પડયા
સોમવારે શહેરમાં પડેલા ભારે વરસાદ પછી સોલા ગોમતીપુર વિસ્તારમાં ન્યુ કોટન મિલ પાસે તથા સોલા વિસ્તારમાં રામેશ્વર એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે એ સ્થળે મસ મોટા ભુવા પડયા હતા.ગોમતીપુર વોર્ડમાં 20 ફુટનો ભુવો પડયો હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે.
24 કલાકમાં કયાં-કેટલો વરસાદ?
ઝોન-પૂર્વ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા 173
ઓઢવ 172
વિરાટનગર 95
નિકોલ 101
રામોલ 84
ઝોન-પશ્ચિમ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
પાલડી 153
ઉસ્માનપુરા 171
ચાંદખેડા 97
વાસણા 112
રાણીપ 153
ઝોન-ઉત્તર-પશ્ચિમ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
બોડકદેવ 150
સાયન્સ સીટી 186
ગોતા 186
ચાંદલોડીયા 136
ઝોન-દક્ષિણ-પશ્ચિમ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
સરખેજ 102
જોધપુર 177
બોપલ 106
મકતમપુરા 122
ઝોન-મધ્ય
વિસ્તાર વરસાદ(મિ.મી.)
દાણાપીઠ 123
દુધેશ્વર 156
ઝોન-ઉત્તર
વિસ્તાર વરસાદ(મિ.મી.)
મેમ્કો 136
નરોડા 201
કોતરપુર 104
ઝોન-દક્ષિણ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
મણિનગર 227
વટવા 125
25 ઓગસ્ટની રાતે કયાં-કેટલો વરસાદ પડયો?
વિસ્તાર વરસાદ(ઈંચમાં)
નરોડા 5.71
મણિનગર 5.04
ઓઢવ 3.98
સાયન્સ સિટી 3.90
ગોતા 3.90
ઉસ્માનપુરા 3.66
મેમ્કો 3.62
ચકુડીયા 3.27
બોડકદેવ 3.25
દૂધેશ્વર 3.19
રાણીપ 3.15
પાલડી 3.13
જોધપુર 2.91
નિકોલ 2.89
વટવા 2.80
વિરાટનગર 2.64
વાસણા 2.64
દાણાપીઠ 2.64
કોતરપુર 2.52
ચાંદખેડા 2.48
કઠવાડા 2.20
ચાંદલોડીયા 2.09
મકતમપુરા 2.09
બોપલ 1.93
સરખેજ 1.77
રામોલ 0.94
26 ઓગસ્ટે બપોરે 2થી 6 દરમિયાન કયાં-કેટલો વરસાદ પડયો?
વિસ્તાર વરસાદ(ઈંચમાં)
નરોડા 4.88
મણિનગર 5.02
ઓઢવ 3.92
સાયન્સ સિટી 4.67
ગોતા 4.67
ઉસ્માનપુરા 4.53
ચાંદલોડીયા 4.49
ચકુડીયા 3.86
બોડકદેવ 3.68
દૂધેશ્વર 4.21
રાણીપ 4.06
પાલડી 3.86
જોધપુર 4.25
નિકોલ 2.28
વટવા 2.50
વિરાટનગર 2.22
વાસણા 2.44
દાણાપીઠ 3.05
કોતરપુર 2.44
ચાંદખેડા 2.58
કઠવાડા 1.26
ચાંદલોડીયા 4.49
મકતમપુરા 2.87
બોપલ 3.09
સરખેજ 2.48
રામોલ 1.97
પરિમલ અંડરપાસમાં લકઝરી બસ ફસાઈ જતા 40 મુસાફરોનું રેસ્કયૂ કરાયું
26 ઓગસ્ટે અમદાવાદમાં બપોરના સમયે અતિભારે વરસાદ પડયો હતો. આ સમયે પરિમલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા.આમ છતાં એક ખાનગી લકઝરી બસ ચાલક દ્વારા 40 મુસાફરોને અંડરપાસમાંથી પસાર કરવાની કોશીશ કરવામાં આવતા બસ અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ જતા અમદાવાદ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ 40 મુસાફરોને સહી સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આ ઉપરાંત એક અન્ય સ્થળે ફોરવ્હીલ ગાડી પાણીમાં ફસાઈ જતા તેમાં સવાર બે લોકોને સહી સલામત રીત ફાયર વિભાગની ટીમે બહાર કાઢયા હતા.