ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તા-ખેતરો પાણીમાં ડૂબ્યાં, ડેમ ઑવરફ્લો

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News

Rain

Heavy Rain In Saurashtra : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથક અને ભાણવડના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં કલ્યાણપુર તાલુકામાં સાડા ચાર ઈંચ, ભાણવડ અને ખંભાળિયામાં ચાર ઈંચ સહિત દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદની સાથે-સાથે વીજળી થવાના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, મેઘરાજાએ ધબડાટી બોલાવતા સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો.

કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહીને પગલે ગઈ કાલથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતના ગામડામાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીના 176 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં સિઝનનો 735 મિ.મી. વરસાદ પડ્યો હતો. બીજી તરફ, અતિભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ સહિત ખેતરોમાં મોટાપાયે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભાણવડ તાલુકામાં સિઝનનો 476 મિ.મી. વરસાદ નોંધાયો

દ્વારકા-ખંભાળિયા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ભાણવડ તાલુકાના આજે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં ખંભાળિયા સહિત ભાણવડ તાલુકામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાતા અનેક જગ્યાએ વીજળી પડી હતી. જ્યારે છેલ્લા 24 કલાકની અંદરમાં ચાર ઈંચ વરસાદ નોંધાવાની સાથે ભાણવડમાં કુલ 476 મિ.મી. વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: અહીં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ, અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ 

ખંભાળિયા તાલુકામાં વરસાદનું જોર, સિંહણ ડેમ ઑવરફ્લો 

ખંભાળિયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ઘી ડેમમાં ત્રણ ફૂટ પાણીનો વધારો થતા ડેમની સપાટી 13 ફૂટે પહોંચી હતી. બીજી તરફ, સિંહણ ડેમાં છેલ્લા 24 કલાકની અંદરમાં વરસાદી પાણીની આવક વધતા સાત ફૂટ પાણીમાં વધારો નોંધાયો હતો. જેથી ડેમની સપાટી 21 ફૂટને પાર પહોંચતા સિંહણ ડેમ ઑવરફ્લો થયો હતો.


Google NewsGoogle News