અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 5.50 કરોડનું ડ્રગ્સ, કિમીયો જોશો તો માથું ભમી જશે
Drugs Seized from Ahmedabad Airport: અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એક વાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે રવિવારે મોડી રાત્રે થાઈલેન્ડના નાગરિક એવા પેસેન્જર પાસેથી કરોડ રૂપિયાનો ગાંજો પકડયો છે. થાઈલેન્ડના નાગરિકે ચાલાકી વાપરીને પોતાની બેગમાં વેક્યુમ પેકિંગ કરીને રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમમાં ગાંજો છૂપાવ્યો હતા.
5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો
કસ્ટમ્સ વિભાગનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, થાઈલેન્ડના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 5.50 કિલો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો તેની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ પાંચ કરોડ રૂપિયા થવા જાય છે. ટોચના સૂત્રોએ જણાવ્યું કે, બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં થાઈલેન્ડનો નાગરિક એવો પેસેન્જર અમદાવાદના એરપોર્ટ ઉપર આવ્યો હતો.
કસ્ટમ્સ વિભાગને શંકા જતાં કરી તપાસ
આ પેસેન્જર ઈમીગ્રેશન કરાવ્યા બાદ બહાર નિકળતાં હતો ત્યારે તેની વર્તણૂકથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી. આ કારણે તેના બેગેજને ખોલાવીને તેની ઝીણવટ ભરી તપાસ કરતાં કેટલાંક ખાવાની સામગ્રીનાં પડીકાં મળ્યાં હતાં. સામાન્ય રીતે આ પડીકાં કોઈ બહારની બેગમાં રાખે પણ તેને બદલે અંદર રખાયાં હતાં. આ ઉપરાંત તેનું વજન પણ સામાન્ય પડીકાં કરતાં વધારે હતું તેથી કસ્ટમ્સ વિભાગને શંકા જતાં આ પેકેટની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે, ખાદ્ય સામગ્રીના પેકેટની અંદર વેક્યુમ પેકિંગ કરીને પોલીથીન પેકેટમાં ગાંજો છૂપાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરમાં ઘૂસી ગઈ ખાનગી બસ, 6ના મોત
ફૂડ આઈટમની અંદર છુપાવવામાં આવ્યો ગાંજો
કસ્ટમ્સ વિભાગને આવાં 10 પેકેટ મળી આવ્યા છે કે જેમાં રાઈસ ક્રિસ્પીઝ સહિતની ફૂડ આઈટમની અંદર ગાંજો છુપાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ પેસેન્જરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તેની પણ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યું છે.
અગાઉ પણ એરપોર્ટ પરથી સામે આવ્યા ડ્રગ્સના કેસ
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ પણ પાંચ જેટલા ડ્રગ્સના કેસ થયેલા છે જેમાં પાંચ પેસેન્જરની ધરપકડ પણ કરાઈ હતી. હવે પેસેન્જર ફ્લાઈટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા થઈ જતા ડી.આર.આઈ અને કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે. અગાઉ શાહીબાગ વિસ્તારમાં આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પણ બે કરોડનો ગાંજો પાર્સલમાંથી પકડાયો હતો.