ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બન્યું, છેલ્લા 1 વર્ષમાં 5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Drugs were seized from Gujarat: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે.
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાઇ
વિધાનસભા સત્રના અંતિમ દિવસે ડ્રગ્સ મુદ્દે થયેલી ચર્ચાના અંતે ગૃહમંત્રીએ જણાવ્યું કે કચ્છ, વલસાડ, નવસારી તથા અન્ય જિલ્લાના દરિયાકાંઠેથી છેલ્લાં 15 જ દિવસમાંથી કુલ મળીને રૂ.892 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ 2024માં દરિયા કાંઠાના વિસ્તારોમાંથી સઘન પેટ્રોલીંગને લીધે નાના મોટા લેન્ડીંગ પોઈન્ટ પરથી આશરે રૂ.178 કરોડનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
5532 ડ્રગ્સ પેડલરો પર બાજનજર
ડ્રગ્સ માફિયાઓ ફરી આ પ્રવૃતિમાં જોડાય નહી તે માટે એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયેદસર મિલકતની ઓળખ કરી જપ્ત કરવામાં આવે છે. જેલમાંથી છૂટયા બાદ અસરકારક સર્વેલન્સ રાખવામાં આવે તો આવી પ્રવૃતિનો વ્યાપ ઘટી જાય છે. નાર્કોટિક્સના ગુનામાં જામીન પર છૂટેલાં 5532 ડ્રગ્સ પેડલરો-માફિયાઓ પર પોલીસ નજર રાખી રહી છે. ડ્રગ્સ માફિયાઓ પર નજર રાખવા માટે પ્રત્યેક શહેર અને જિલ્લામાં મેન્ટોરની નિમણૂંક કરવામાં આવી છે.