મુંબઈમાં ફ્લેટમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, 800 કરોડનો મુદ્દામાલ જપ્ત, બે ભાઈની ધરપકડ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ફ્લેટમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, 800 કરોડનો મુદ્દામાલ જપ્ત, બે ભાઈની ધરપકડ 1 - image


સુરતના પલસાણામાં ડ્રગ્સ ફેક્ટરી પકડાયા પછી મુંબઈ નજીક દરોડો

નવ મહિનાથી ફ્લેટ ભાડે રાખીને બનાવાતાં ડ્રગ્સનું દુબઈ કનેક્શન હોવાની શંકાથી ગુજરાત એટીએસ દ્વારા ઊંડી તપાસ

અમદાવાદ: મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ભીવંડી ખાતે એક ફ્લેટમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ છે. ૮૦૦ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મુળ મુંબઈના ડુંગરી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ પકડાયાં છે. નવ મહીનાથી ભીવંડીમાં ફ્લેટ ભાડે રાખીને ડ્રગ્સનું ઉત્પાદન કરતાં બન્ને ભાઈઓનું દુબઈ કનેક્શન હોવાની મજબૂત આશંકા છે. ગુજરાત એટીએસ દ્વારા સુરતના પલાસાણા ખાતે ડ્રગ્સ ફેક્ટરી પકડી હતી તેની તપાસમાં મળેલી વિગતોના આધારે મુંબઈ નજીક દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પકડાઈ છે. ડ્રગ્સની ઈન્ટરનેશનલ કાર્ટેલ અંગે તપાસ હાથ ધરાઈ છે.

સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામેથી ગત તા. ૧૮ જુલાઈના રોજ એટીએસની ટીમે મેફેડ્રોન બનાવતી ફેક્ટરી પકડી હતી. ૪ કિલો મેફેડ્રોન, ૩૧ કિલો લિક્વીડ મેફેડ્રોન સહિત કુલ ૫૧ કરોડના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયાં હતાં. આરોપીઓની પુછપરછમાં ડ્રગ્સ બનાવવાની કાર્ટેલમાં મોહમદ યુનુસ ઉર્ફે એજાઝ અને તેનો ભાઈ મોહમદ આદીલ સામેલ હોવાની વિગતો ખુલી હતી. આ કેસમાં મુંબઈના ચીંચબંદર ખાતે રહેતા બન્ને ભાઈઓ યુનુસ અને આદિલને પકડવાના બાકી હતાં.

ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, સુરત કેસમાં વોન્ટેડ યુનુસ અને આદિલ નામના આ બન્ને ભાઈઓ ભીવંડીમાં નદી નાકા પાસે એક ફ્લેટ ભાડે રાખઈને તેમાં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન કરી વેચાણ કરે છે. આ અંગે ખરાઈ કરી ચોક્કસ ઈન્ટેલિજન્સના આધારે ગુજરાત એટીએસની ટીમે સોમવારે ભીવંડના નદી નાકા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રેડ કરી સર્ચ હાથ ધરી હતી. રેડ દરમિયાન એમ.ડી. ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન બનાવવાની પ્રોસેસ ચાલુ હતી. કુલ ૧૦.૯૬૯ કિલોગ્રામ સેમી લિક્વીટ મેફેડ્રોન તેમજ બેરલોમાંથી ૭૮૨.૨૬૩ કિલોગ્રામ લિક્વીડ મેફેડ્રોન (એમ.ડી.) કબજે કરાયું હતું. પકડાયેલા મેફેડ્રોનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૮૦૦ કરોડ થવા જાય છે. ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લીધેલાં ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની સામગ્રી પણ કબજે કરાઈ હતી. 

ગુજરાત એટીએસની ટીમે મુંબઈની ડોંગરી વિસ્તારમાં ચીંચ બંદર પોસ્ટ ઓફિસ પાસે રહેતા યુનુસ ઉર્ફે એજાઝ તાહીરભાઈ શેખ (ઉ.વ. ૪૧) અને તેના ભાઈ આદીલ (ઉ.વ. ૩૪)ને પકડી પાડયા હતા. એટીએસની તપાસમાં એવી વિગતો ખુલી છે કે, યુનુસ અગાઉ દુબઈથી ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક આઈટ્મ્સનું સ્મગલિંગ કરવાની પ્રવૃત્તિમાં સામેલ હતો. દુબઈ ખાતે એક અજાણ્યો શખ્સ મળ્યો હતો તેની સાથે મળી યુનુસ અને આદિલે ભીવંડીમાં નવેક મહિનાથી ફ્લેટ ભાડે રાખીને મેફેડ્રોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ઓછા માણસોની અવરજવરવાળા વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખઈને ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ બન્ને ભાઈઓ સાથે સાદીક નામનો એક શખ્સ પણ સામેલ છે. બન્ને ભાઈઓ મહિનાઓથી ડ્રગ્સનું ઉત્પાદન કરતાં હતાં અને દુબઈ કનેક્શન થકી ડ્રગ્સ કાર્ટેલમાં વિદેશમાં મોકલાતુંહતું. સુરત પછી ભીવંડથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી બે ફેક્ટરી ૨૦ દિવસમાં પકડાયા પછી ગુજરાત એટીએસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ અંગે ઉંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News