Get The App

ડ્રગ્સ: સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના ગલ્લાઓ પર મળતો 'ગોગો' બતાવીને સંઘવીનું રાજીનામુ માંગ્યું

Updated: Aug 22nd, 2022


Google NewsGoogle News
ડ્રગ્સ: સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના ગલ્લાઓ પર મળતો 'ગોગો' બતાવીને સંઘવીનું રાજીનામુ માંગ્યું 1 - image


- ડ્રાય સ્ટેટને ડ્રગ્સ સ્ટેટ બનાવવા મામલે ભાજપના કેન્દ્ર અને રાજ્યના પદાધિકારીઓના જવાબની માંગણી કરી

અમદાવાદ, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર

કોંગ્રેસના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ડિપાર્ટમેન્ટના ચેરપર્સન અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અમદાવાદ ખાતેની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાજ્યમાં વ્યાપી રહેલા ડ્રગ્સના દૂષણ મામલે સરકારને આડેહાથ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ડ્રગ્સને મહત્વનો મુદ્દો બનાવી રહી છે. 

આ પણ વાંચોઃ ગાંધી-પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યું છે?: રાહુલ ગાંધી આક્રમક

સુપ્રિયા શ્રીનેતે પોતાના સંબોધનની શરૂઆતમાં જ લોહ પુરૂષ, સરદારની ભૂમિમાં કોણ યુવાનોના ભવિષ્ય સાથે રમત કરી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, વડાપ્રધાન, દેશના ગૃહમંત્રીના મૌન સામે આક્ષેપો કરીને ડ્રગ્સ મામલે પ્રહારો કર્યા હતા.

 

હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી

તેમણે જણાવ્યું કે, માત્ર એક ખાનગી અદાણી મુંદ્રા પોર્ટ પરથી 25 હજાર કરોડનું ડ્રગ ઝડપાયું છે અને ભાજપ સરકાર ધૃતરાષ્ટ્રની માફક આંખે પાટા બાંધીને બેઠી છે. આ ઉપરાંત તેમણે ડ્રગ્સનું ઉત્પાદન કરતી 4 ફેક્ટરીઓ ઝડપાઈ તેનો પણ ઉલ્લેખ કરીને જે ઝડપાયો તે સિવાયનો ઉત્પાદિત અને બહારથી આવતો જથ્થો દેશભરમાં પહોંચી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હર્ષ સંઘવીના ત્વરીત રાજીનામાની માંગણી કરી હતી. 

ગુજરાતના ગલ્લાઓમાં ખુલ્લેઆમ 'ગોગો' મળે છે

સુપ્રિયા શ્રીનેતે 'ગોગો' નામની એક ચિલમ જેવી વસ્તુ કેમેરા સામે દર્શાવીને જણાવ્યું કે, ગુજરાતના દરેક પાનના ગલ્લે આ વસ્તુ મળી રહી છે. તેમાં ડ્રગ્સ ભરીને યુવાનો ડ્રગ્સ ફૂંકે છે અને આ વસ્તુ પર જીએસટી પણ વસૂલાઈ રહ્યો છે. સાથે જ તેનું ઉત્પાદન કોણ કરે છે અને શા માટે આ વસ્તુ ગુજરાતના દરેક ગલ્લાઓમાં મળી રહી છે તેવો સવાલ પણ કર્યો હતો.  

ડ્રગ્સ: સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના ગલ્લાઓ પર મળતો 'ગોગો' બતાવીને સંઘવીનું રાજીનામુ માંગ્યું 2 - image

Google NewsGoogle News