ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો : ડ્રગ્સના ઓવરડોઝના લીધે 18 વર્ષના યુવાનનું મોત
Drugs in Ahmebad : અમદાવાદમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. રાજ્યમાંથી દરરોજ હજારો-કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવે છે. પરંતુ તેમછતાં અમદાવાદ જેવા મોટા શહેરોમાં સરળતાથી ડ્રગ્સ મળી રહે છે. ત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત નીપજતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઇસનપુરમાં 18 વર્ષ યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકનું નામ પ્રિન્સ શર્મા છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. તેના કમ્પાઉન્ડર મિત્રએ નશાકારક દવાનો ઓવરડોઝ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રિન્સ શર્મા નામનો યુવક ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ડ્રગ્સ લેતાં લેતાં ઢળી પડતાં તે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં ફરજ પર તબીબોની ટીમ યુવકને મૃત જાહેર કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતક પ્રિન્સ શર્માના મૃતદેહને ઈએમ અર્થે મોકલી દીધો છે અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર હકિકત બહાર આવશે.
તો બીજી તરફ પોલીસ મૃતકના કમ્પાઉન્ડર મિત્રની અટકાયત છે. આ કમાઉન્ડર દરરોજ 200 જેટલા યુવકોને ઇંજેક્શન આપતો હોવાની માહિતી મળી છે. પોલીસ હાલમાં ઉંડી તપાસ કરી રહી છે, તપાસ વધુ વિગતો સામે આવશે.
5 વર્ષમાં ગુજરાતમાં ઝડપાયું 93691 કિલો ડ્રગ્સ
રાજ્યમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર વાહવાહી લૂંટે છે, પરંતુ પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. આજે ગુજરાત જાણે નશાખોરીનું એપિસેન્ટર બની રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે.
ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ
ડ્રગ્સની બદીને નાથવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશના પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાન હોવા જોઈએ. અત્યારે ગુજરાતમાં પ્રતિ લાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી સંખ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો
મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.