ડૉ. વૈશાલી જોષી આપઘાત કેસ, પીઆઈ બી.કે. ખાચર ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ હાજર
Dr. Vaishali Joshi Suicide case: અમદાવાદના ચર્ચાસ્પદ ડૉ. વૈશાલી જોષીની આપઘાતના કેસમાં ફરાર પીઆઈ બી.કે. ખાચર ગાયકવાડ હવેલી પોલીસ મથકે હાજર થયા છે. એસીપી સમક્ષ નિવેદન લેવામાં આવશે. ટૂંક સમયમાં જ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ખાચરે હાઈકોર્ટમાં અરજી કરી હતી
અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે પીઆઈ બી.કે. ખાચર સામે 32 વર્ષીય ડોક્ટરને આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. આ મામલે બી. કે. ખાચરે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં ખાચરના વકીલને ઠપકો આપતા કહ્યું કે, 'પોલીસ અધિકારી હોવા છતાં તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવતા નથી.'
હાઈકોર્ટે ખાચરનો રીતસરનો ઉધડો લીધો
ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ પરિસરમાં છઠ્ઠી માર્ચે ડો.વૈશાલી જોષીએ આપઘાત કર્યો હતો. ડો.વૈશાલી જોષીની સુસાઈડ નોટમા પીઆઈ બી.કે. ખાચરનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં ધરપકડથી બચવા માટે બી.કે.ખાચરે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ જણાવ્યું કે, 'તમે એક જવાબદાર પોલીસ અધિકારી હોવા છતા પોલીસ સમક્ષ હાજર થઈને આ કેસની તપાસમાં સહકાર આપવાની ફરજ નિભાવી રહ્યા નથી તે બહુ ગંભીર કહેવાય. આરોપી એક સામાન્ય વ્યકિત નહી પરંતુ પોલીસ અધિકારી છે. તેમને કોઈ પણ રીતે રક્ષણ આપી શકાય નહીં, તેમની સામે તપાસ થવી જ જોઈએ.'