પટણાથી ફ્લાઇટ લઇને ફક્ત બોક્સ તોડવા અમદાવાદ પહોંચ્યો હતો ડો.શુભમ, તપાસમાં ખૂલ્યા અનેક રાજ
NEET Paper Leak Case: બિહાર પોલીસ છેલ્લા ઘણાં સમયથી NEET પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી સંજીવ મુખિયાની શોધખોળ કરી રહી છે. ત્યારે CBI એ પેપર લીક કાંડના તમામ રિપોર્ટ અને પુરાવા EOU પાસેથી મેળવીને મુખ્ય આરોપી સંજીવ મુખિયાને દબોચવા માટે ટીમ લગાવશે. UP પોલીસ દ્વારા સિપાહી ભરતી પરીક્ષા પેપરલીકમાં પકડાયેલા આરોપી રવિ અત્રીના છેડા પણ સંજીવ મુખિયા સાથે જોડાયેલા હતા.
જો સંજીવ મુખિયા પકડાઈ જાય તો ફક્ત NEET પેપર જ નહીં પરંતુ યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી, રેવન્યૂ ઓફિસર ભરતી(RO/ARO) પેપર લીક, બિહાર શિક્ષક ભરતી (BPSC TRE 3.0) સહિતની ઘણી બધી પરીક્ષા લીકની સચોટ માહિતી મેળવી શકાશે. રવિ અત્રીની રિપોર્ટ પ્રમાણે, સંજીવ મુખિયા પેપર લીક કરવામાં સાતિર ખિલાડી છે. આરોપી રવિ અત્રી અને સંજીવ મુખિયાને ગેંગ એકબીજા સાથે જોડાયેલી હોવાના ખુલાસા થયા હતા.
ઉત્તરપ્રદેશ પોલીસ ભરતી અને NEET પેપર લીક કૌભાંડના આરોપીઓ એકબીજા સાથે જોડાયેલા
યુપી પોલીસ કોન્સ્ટેબલની સિપાહી ભરતીના પેપર લીક કેસમાં યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા રવિ અત્રી સહિત કુલ 18 આરોપીઓ સામે યુપી સિપાહી પેપર લીક કેસમાં ચાર્જસીટ દાખલ કરી હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી રવિ અત્રી પેપર લીક કરવામાં માહેર ખિલાડી હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં યુપી પોલીસ સિપાહી ભરતીનું પેપર લીક રવિ અત્રી અને રાજીવ નયન મિશ્રાએ સાથે મળીને લીક કરાવ્યું હતું. UPSTSF એ 10 એપ્રીલે મેરઠથી રવિ અત્રીની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. યુપી પોલીસ પેપર લીકના આરોપીની પૂછપરછ દરમિયાન તેઓએ સંજીવ મુખિયાનું નામ જણાવ્યું હતુ. આમ ઉત્તરપ્રદેશ પેપર લીક કૌભાંડ અને NEET ના પેપર લીક કરનારા તમામ આરોપી એકબીજા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતુ.
ખાસ દિલ્હીથી બ્લૂટૂથ ખરીદી પેપરને લીક અંજામ આપતો સંજીવ મુખિયા
રવિ અત્રીની ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં કેટલાંક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા હતા. જેમાં રવિ અત્રીએ જણાવ્યું હતુ કે, સંજીવ મુખિયાની ગેંગ પેપર લીક કરવામાં માહિર હોવાથી તેનું નેટવર્ટ યુપી, બિહાર, ગુજરાત, દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં છે. આમ સંજીવ મુખિયા બ્લુટૂથના માધ્યમથી અલગ અલગ પેપરને લીક કરવામાં અંજામ આપતો હતો. જેમાં તે બ્લૂટૂથની ખરીદી કરવામાં માટે ખાસ કરીને દિલ્હી આવતો હતો. સમગ્ર પેપર લીક કૌભાંડમાં સંજીવ મુખિયાની સાથે તેનો દિકરો શિવ કુમાર પણ સામેલ હતો.
કોટામાં પેપર લીક માફિયાઓ સાથે રવિ અત્રીની મુલાકાત
યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીકના કેસના મુખ્ય આરોપી રવિ અત્રીના સંબંધો સંજીવ મુખિયા અને અતુલ વત્સ સાથે હતો. સંજીવ મુખિયાના દિકરા શિવ કુમાર સાથે રવિ અત્રીએ અભ્યાસ કર્યો હતો. જ્યારે BPSC શિક્ષક ભરતી લીકના કિસ્સામાં શિવ કુમાર પહેલાથી જેલમાં છે. મળતી માહિતી પ્રમાણે, રવિ અત્રી 12 પાસ કરીને જ્યારે મેડિકલની તૈયારી કરવા માટે કોટા ગયો હતો ત્યારે તેની મુલાકાત પેપર લીક માફિયાઓ સાથે થઈ હતી.
સંજીવ મુખિયાની ગેંગ સીલબંધ પેપર બોક્સ તોડવામાં એક્સપર્ટ
ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીક કૌભાંડના માસ્ટરમાઈન્ડ રવિ અત્રીની ઈન્વેસ્ટિગેશનમાં તથ્યો સામે આવ્યાં હતા કે, સંજીવ મુખિયાની ગેંગ સીલબંધ પેપર બોક્સ તોડવામાં સાતિર છે. દેશમાં કોઈપણ જગ્યાએ સીલ કરેલા પેપર બોક્સને તોડવા માટે સંજીવ મુખિયાની ગેંગ એક્સપર્ટ છે. યુપી પોલીસ કોન્સ્ટેબલ પેપર લીક કેસમાં સંજીવ મુખિયના સાથી ડોક્ટર શુભમ મંડલે પટણાથી ફ્લાઈટ પકડીને અમદાવાદમાં જઈને સીલબંધ પેપર બોક્સને તોડ્યું હતું.