મોટા ઉપાડે શરૂ કરેલી ડબલ ડેકર બસ અંગે મોટા સમાચાર, 7 પૈકી 3 રુટ પર બંધ કરી દેવાઈ
Double Decker Bus In Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એક વર્ષ પહેલાં મોટા ઉપાડે ડબલડેકર બસ શરૂ કરવામાં આવી હતી. સાત પૈકી ત્રણ રૂટ ઉપર દોડતી ડબલ ડેકર બસ સત્તાધીશોએ બંધ કરી દીધી છે. ડબલ ડેકર બસ બંધ કરવા પાછળ પેસેન્જર મળતા નથી. આવક ઘટી છે એ પ્રકારના બહાનાં આગળ કરાયા છે.
ડબલ ડેકર બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી
દર વર્ષે કરોડો રૂપિયાની ખોટ કરતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એક વર્ષ અગાઉ જ્યારે ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી. એ સમયે સત્તાધીશોએ પેસેન્જરોને વધુ સારી સગવડ આપવા એ.સી.ડબલ ડેકર બસ શરૂ કરાઈ હોવાનો જશ ખાટયો હતો. અણઘડ આયોજનથી શરૂ કરવામાં આવેલા ડબલ ડેકર બસ માટેના વિવિધ રૂટ પૈકી લાલદરવાજાથી વસ્ત્રાલ, ઈસનપુરથી રાણીપ તથા ધુમા ગામથી લાલદરવાજા એમ ત્રણ રૂટ ઉપર દોડાવવામાં આવતી ડબલ ડેકર બસ બંધ કરી દેવામાં આવતા મુસાફરોની હાલાકીમાં વધારો થવા પામ્યો છે.
આ પણ વાંચો: દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોંચી ગયો!
વસ્ત્રાલરૂટ ઉપર પેસેન્જર ના મળે એ બાબત શકય જ નથી. આમ છતાં આ રૂટ ઉપર દોડાવવામાં આવતી ડબલ ડેકર બસ બંધ કરી દેવામાં આવી છે. જે રૂટ ઉપર વધારે સંખ્યામાં મુસાફરો મળે છે એવા રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડાવવામા આવશે. એવી જાહેરાત કરવાવાળા મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડબલડેકર બસ શરૂ કરવામાં આવી હતી. હવે આ રૂટ ઉપર જ પેસેન્જર મળતા નહીં હોવાનું બહાનુ આગળ કરવામાં આવી રહ્યું છે. હાલમાં લાલદરવાજાથી શીલજ, રૂટ નંબર-51, વાસણાથી ચાંદખેડા,રૂટ નંબર-401 તથા સારંગપુરથી સિંગરવા ગામ ,રૂટ નંબર-150 અને નરોડાથી લાંભા ક્રોસ રોડ,રૂટ નંબર-130 ઉપર જ ડબલ ડેકર બસ દોડાવાઈ રહી છે.