Get The App

ઢોર અંકુશ નીતિના અમલમાં બાધારૂપ ન બનો, હાઇકોર્ટ સાંખી નહીં લે, ઢોર માલિકો-પશુપાલકોને HCની ચેતવણી

એકબાજુ તમે કોર્પો. સામે ફરિયાદ કરવા હાઇકોર્ટમાં આવો છો ને બીજીબાજુ, દેખાવો ને આંદોલન કરો છો તો ત્યાં જ જાઓ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ઢોર અંકુશ નીતિના અમલમાં બાધારૂપ ન બનો, હાઇકોર્ટ સાંખી નહીં લે, ઢોર માલિકો-પશુપાલકોને HCની ચેતવણી 1 - image


અમદાવાદ, બુધવાર

રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર ઢોરમાલિકો અને પશુપાલકોને કડક ચેતવણી આપી છે કે, ઢોર અંકુશ નીતિની અમલવારીમાં તમે બાધારૂપ ના બનશો (અડચણરૂપ ના બનશો), અન્યથા અદાલત આ વાત સાંખી નહી લે. જસ્ટિસ એ.જે.શાસ્ત્રી અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે ગોપાલક સમુદાયને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, તમે એકબાજુ અમ્યુકો તમારા ઢોર ખોટી રીતે લઇ જાય છે સહિતની ફરિયાદો લઇને હાઇકોર્ટ સમક્ષ આવો છો ને બીજીબાજુ, જાહેરમાં દેખાવો અને આંદોલન કરી ઢોર અંકુશ નીતિની અમલવારીમાં અડચણો પેદા કરો છો અને આક્રોશ દેખાડો છો. તો પછી તમે ત્યાં જ જાઓ હાઇકોર્ટ સમક્ષ ના આવશો. હાઇકોર્ટે કહ્યું કે, ઢોર અંકુશ નીતિની અમલવારીમાં આ પ્રકારના અંતરાય કે અવરોધ કોઇપણ રીતે યોગ્ય નથી. હાઇકોર્ટે ઢોરમાલિકો-પશુપાલકોના બેવડા ધોરણો પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. 

એકબાજુ તમે કોર્પો. સામે ફરિયાદ કરવા હાઇકોર્ટમાં આવો છો ને બીજીબાજુ, દેખાવો ને આંદોલન કરો છો તો ત્યાં જ જાઓ

હાઇકોર્ટે ઢોર માલિકો અને પશુપાલકોને સાનમાં સમજાવતાં જણાવ્યું કે, એકબાજુ તમે અહીં રજૂઆત કરવા આવો છો અને બીજીબાજુ,  બહાર જાહેરમાં દેખાવો-આંદોલનો કરી આક્રોશ વ્યકત કરો છે. આમ કરી તમે  ઢોર અંકુશ નીતિની અમલવારીમાં અડચણો-અંતરાય ઉભા કરી રહ્યા છો તે ચાલશે નહી. તમે અમ્યુકોના ઢોરવાડાને બ્લોક કરો છો ને દેખાવો કરો છો અને વિરોધ પ્રદર્શનની વાતો કરો છો ને બીજીબાજુ, હાઇકોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરો છો. આ પ્રકારનું વિરોધાભાસી વલણ ચાલશે નહી. આ પ્રકારની પ્રવૃત્તિને અમે સાંખી નહી લઇએ અને ચાલવા નહી દઇએ.  રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના મુદ્દાઓને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આ અગાઉ નડિયાદ ખાતે મળી આવેલા મૃત પશુઓના કંકાલ પ્રકરણમાં સરકાર તરફથી રજૂ થયેલા સોંગદનામા પરત્વે હાઇકોર્ટે સંતોષ વ્યકત કર્યો હતો પરંતુ સાથે સાથે ભવિષ્યમાં પશુઓના મૃતદેહોના નિકાલથી લઇ સંબંધિત તમામ બાબતોમાં યોગ્ય કાળજી રાખવાની હાઇકોર્ટે ખાસ તાકીદ કરી હતી. 

ટ્રાફિકનો ઇશ્યુ પણ ખતરાની ઘંટડી સમાન : કોર્ટમાં અરજી

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર અને જટિલ બનતી સમસ્યા તેમ જ વધતા જતાં અકસ્માતો અને નિર્દોષ નાગરિકોના મોતને લઇ નવી અરજી હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આ અરજી સંદર્ભે જરૂરી સોગદંનામું રજૂ કરવા રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારપક્ષ અને સંબંધિત સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ બહુ ગંભીર પ્રશ્ન છે અને ખરેખર તો તે ખતરાની ઘંટડી સમાન ચેતવણીરૂપ છે. ખુદ હાઇકોર્ટે અગાઉ હુકમો અને માર્ગદર્શિકા જારી કરેલા છે પરંતુ તેનું પાલન થતુ નથી.

ઢોર અંકુશ નીતિના અમલમાં બાધારૂપ ન બનો, હાઇકોર્ટ સાંખી નહીં લે, ઢોર માલિકો-પશુપાલકોને HCની ચેતવણી 2 - image


Google NewsGoogle News