200 કરોડની સંપત્તિ કરી દીધી દાન, હવે સંન્યાસી બનશે ગુજરાતનું આ દંપતી, દીકરા-દીકરી પણ લઈ ચૂક્યા છે દીક્ષા
Jain Family Initiation: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિમ્મતનગરના રહેવાસી બિઝનેસમેન ભાવેશભાઈ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ભાવેશે પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી. તેમણે સાંસારિક મોહ ત્યાગ કરીને સંન્યાસનો રસ્તો અપનાવ્યો છે. અહીં રહેનારા ભાવેશ ભંડારી સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા અને તમામ સુખ સુવિધાઓમાં ઉછર્યા હતા. જૈન સમાજમાં તેમની મુલાકાત દીક્ષાર્થિઓ અને ગુરુજનો સાથે થતી રહેતી હતી.
ભાવેશભાઈના 16 વર્ષના દીકરા અને 19 વર્ષની દીકરીએ બે વર્ષ પહેલા સંયમિત જીવન જીવવાના રસ્તા પર ચાલવાને લઈને દીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2022માં દીકરા અને દીકરીએ દીક્ષા લીધા બાદ હવે ભાવેશભાઈ અને તેમની પત્નીએ પણ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવેશભાઈ ભંડારીએ સાંસારિક મોહ માયાથી પોતાના માર્ગ બદલ્યો છે. તેમણે અંદાજિત 200 કરોડથી વધુની સંપત્તિ દાનમાં આપી દીધી છે. તેમણે બિલ્ડિંગ કંસ્ટ્રક્શનના બિઝનેસ સાથે અમદાવાદનું કામકાજ છોડીને અચાનક દીક્ષાર્થી બનવાનો નિર્ણય લીધો.
પરિચિત દિલીપ ગાંધીએ કહ્યું કે, જૈન સમાજમાં દીક્ષાનું ખુબ મહત્વ રહેલું છે. દીક્ષા લેનારા વ્યક્તિને ભીક્ષા માંગીને જીવન પસાર કરવાનું હોય છે, સાથે એસી, પંખા, મોબાઈલ જેવી સુખ સુવિધાઓનો ત્યાગ કરવાનો હોય છે. આ સિવાય આખા ભારતમાં ઉઘાડા પગે વિહાર કરવાનો હોય છે.
સંન્યાસી બનવા જઈ રહેલા સાબરકાંઠા જિલ્લાના ભાવેશભાઈની શોભાયાત્રા હિમ્મતનગરમાં ધૂમધામથી નિકળી ગઈ. આ દરમિયાન તેમણે પોતાની તમામ સંપત્તિ દાન કરી દીધી. દાનમાં અંદાજિત 200 કરોડથી વધુની સંપત્તિ અપાઈ છે. આ શોભાયાત્રા ચાર કિલોમીટર સુધી લાંબી હતી.
ગત મહિને જામનગરના સમૃધ્ધ જૈન પરિવારના પિતા-પુત્ર અને પૌત્રએ લીધી હતી દીક્ષા
જુનાગઢના ગિરનાર દર્શન જૈનધર્મશાળા ખાતે ગત મહિને જામનગરના સમૃદ્ધ પરિવારના પિતા-પુત્ર અને પૌત્રએ દીક્ષા લીધી હતી. આ પરિવારના મહિલાએ દોઢેક માસ પહેલા સુરતમાં દીક્ષા લીધી હતી. પૌત્ર સી.એ.ના ફાઈનલ સુધી અભ્યાસ કર્યો છે. એક સાથે ત્રણ પેઢીએ દીક્ષા લીધી હોય એવી રાજ્યનો આ પ્રથમ પ્રસંગ છે. મૂળ સિંહોરના અને હાલ જામનગરમાં રહેતા અજીતભાઈ શાંતીલાલ શાહ તેના પુત્ર કૌશિકભાઈ અજીતભાઈ શાહ અને તેના પુત્ર વિરલભાઈ કૌશિકભાઈ શાહને સંયમના માર્ગે જવાની ઈચ્છા થઈ હતી. આ પરિવારના એક મહિલાએ અઢી માસ પહેલા સુરતમાં દીક્ષા લીધી હતી. બાદમાં પિતા-પુત્ર અને પૌત્રએ પણ જૂનાગઢમાં દીક્ષા લેવા નિર્ણય કર્યો હતો.