ઘાટલોડિયાની આરતી સોસાયટીમાં નિર્દોષ શ્વાનને લાકડી મારીને જડબુ તોડી નખાયુ
- નમસ્તે ફાઉન્ડેશન દ્વારા ઘાટલોડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી
- વાયરલ વિડીયોના આધારે પોલીસે શ્વાનને મારનાર સામે તપાસ કરવામાં આવશે
અમદાવાદ,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર
અમદાવાદના ઘાટલોડીયામાં વિસ્તારમાં આવેલી આરતી સોસાયટીમાં બે દિવસ પહેલા સોસાયટીના કેટલાંક લોકોએ શ્વાનને માર મારીને તેના જડબા, દાંત અને જીભમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ગંભીર ધટના સામે આવી છે. જે અંગે સોસાયટીમાં રહેતા લોકો સામે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધ્યો છે.
પાલડીમાં રહેતા દીપાબેન જોષી નમસ્તે ફાઉન્ડેશનનું સંચાલન કરે છે. ગત 25મી ડિસેમ્બરની રાત્રીએ તેમને ફોન આવ્યો હતો કે ઘાટલોડીયામાં આવેલા આરતી સોસાયટીમાં કેટલાંક લોકો શ્વાનને લાકડી, હોકી અને પાઇપથી મારી રહ્યા છે અને તેને મારી નાખશે. જેથી દીપાબેન તાત્કાલિક તેમની સંસ્થાની એમ્બ્યુલન્સ અને કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જ્યાં જોયુ તો એક શ્વાન કાર પાસે તરફડિયા મારી રહ્યું હતું અને તેના મોમાંથી સતત લોહી પડી રહ્યું હતું. જેથી તાત્કાલિક તેને સારવાર માટે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ પાંજરાપોળ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યું હતુ. આ બનાવ અંગે દીપાબેન જોષીની ફરિયાદને આધારે ઘાટલોડીયા પોલીસે એનીમલ ક્રુઆલીટી એક્ટ અને આઇપીસી હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે હુમલાખોરોને ઓળખવા માટે વાયરલ ફુટેજને આધારે તપાસ શરુ કરી છે. શ્વાનમાં હુમલો કરવાના ગુનામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે. આ બનાવમાં શ્વાનની જીભમાં પણ ઇજાઓ થઇ હોવાથી આવનારા અનેક દીવસો સુધી ખોરાક પણ નહી લઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.