ગુજરાતમાં એક વર્ષમાં કૂતરું કરડવાના કેસ 40 ટકા વધ્યા
ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો
2018થી અત્યાર સુધી કુલ 20.80 લાખ કેસ
ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આ વર્ષે જ શ્વાન કરડવાના 2.41 લાખ કેસ સામે આવ્યા છે. આમ, દરરોજ સરેરાશ 700થી વધુ લોકો શ્વાન કરડવાની સમસ્યાનો શિકાર બને છે.
આ વર્ષે શ્વાન કરડવાના સૌથી વધુ કેસમાં મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત 2.41 લાખ સાથે પાંચમાં સ્થાને
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શ્વાન કરડવાના કેસમાં 40 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. વર્ષ 2022માં ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ 1,69,261 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે 2,41,846 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે શ્વાન કરડવાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્ર ૪.૩૫ લાખ સાથે મોખરે, તેલંગાણા 4.04 લાખ સાથે બીજા અને ગુજરાત પાંચમાં સ્થાને છે.
રાહતની વાત એ છે કે ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં 2020 બાદ ઘટાડો થઇ રહ્યો છે. 2018થી 2020 દરમિયાન ગુજરાતમાં કૂતરા કરડવાના 4 લાખથી વધુ કેસ નોંધાતા હતા. વર્ષ 2018થી વર્ષ 2023 સુધી ગુજરાતમાં શ્વાન કરડવાના કુલ 20.80 લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે.
ગુજરાતમાં ડોગ બાઇટના છેલ્લા 6 વર્ષમાં કેસ
વર્ષ કેસ
2018 4.55 લાખ
2019 4.80 લાખ
2020 4.42 લાખ
2021 2.90 લાખ
2022 1.69 લાખ
2023 2.41 લાખ