Get The App

વી. એસ.હોસ્પિટલના ડોકટરો માનવતા ભૂલી ગયાં, ક્લિનિકલ રીસર્ચ દરમિયાન ત્રણ લોકોનાં મોતનો મ્યુ.બોર્ડમાં આક્ષેપ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
વી. એસ.હોસ્પિટલના ડોકટરો માનવતા ભૂલી ગયાં, ક્લિનિકલ રીસર્ચ દરમિયાન ત્રણ લોકોનાં મોતનો મ્યુ.બોર્ડમાં આક્ષેપ 1 - image


VS Hospital Clinical Research: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસના રાજશ્રી કેસરીએ કરતા મ્યુનિ.બોર્ડ બેઠકમાં  કર્યો હતો.તેમણે મ્યુનિસિપલ કમિશનરને મૃતક પૈકી એકના પરિવારને લઈ મળવા માટે સમય માંગ્યો હતો. આ કોર્પોરેટરે ક્લિનિકલ રીસર્ચના કારણે થયેલા ત્રણ પૈકી એક દર્દીનું મોત વી.એસ.હોસ્પિટલમાં થયુ હોવાનુ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું. વી.એસ.હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ. પ્રમાણે તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ,ડીન સહિતના ડોકટરોએ ક્લિનિકલ રીસર્ચ માટે ટકાવારી લીધી હોવાનો આક્ષેપ કરતા બોર્ડ બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો.

મ્યુનિ.બોર્ડ બેઠક અગાઉ વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ક્લિનિકલ ટ્રાયલના નામે કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરાયો,વી.એસ.હોસ્પિટલે જીવતા માણસને પ્રયોગ શાળા બનાવી, 'હું છુંં વી.એસ.હોસ્પિટલનો ભ્રષ્ટાચારી ડોકટર' જેવા બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે, બાલવાટીકા સાથે 68 વર્ષથી સંકળાયેલા ચાચા નહેરુના નામને દુર કરવાના નિર્ણયને બદલાની ભાવના તરીકે ગણાવ્યો હતો. 

વી.એસ.હોસ્પિટલમાં 500 દર્દીઓ ઉપર 58 ક્લિનિકલ ટ્રાયલ થાય ત્યાં સુધી મ્યુનિસિપલ તંત્ર કે સત્તાધારી પક્ષને ખબર જ ના હોય એ માની શકાય એવી બાબત નથી.ઈકબાલ શેખે વી.એસ.હોસ્પિટલના ચેરમેન હોવાના કારણે મેયરે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવુ જોઈએ એવી રજૂઆત કરતા મેયરે તેમને બેસી જવા કહ્યું હતું.

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં રજૂઆત કરવા માટે નામ નોંધાવ્યુ હોવા છતાં અધ્યક્ષ સ્થાનેથી મેયરે તેમને બોલવાની તક ના મળે એ માટે છેક સુધી પ્રયાસ કર્યા હતા. અંતે મેયરને તેમના જ પક્ષ તરફથી જરુરી સપોર્ટ નહી મળતા તેમણે ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરને તેમની રજૂઆત કરવા કહેવુ પડ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ કૌભાંડ મામલે બનાવવામાં આવેલી તપાસ સમિતિ સામે ચાંદખેડાના કોર્પોરેટરે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને વેધક સવાલ કરતા કહ્યું,જેમની સામે આક્ષેપ થયેલા છે તે જ જો તપાસ સમિતિમાં હોય તો એનો અર્થ શું સમજવાનો? દર્દીઓની જીંદગી સાથે ડોકટરોએ ક્લિનિકલ ટ્રાયલના નામે ચેડાં કર્યા છે. 

છતાં તપાસ સમિતિમાં ડોકટર ચેરી શાહ સહિતનાનો સમાવેશ કરાયો છે. આ તમામ સામે કાર્યવાહી કરવી જોઈએ. એક તબકકે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તેમને પુરાવા સાથે આવવા કહેતા કોર્પોરેટરે સ્પષ્ટ ના પાડી કહ્યું, મારી પાસે પુરાવા છે અને માત્ર તમને હુ મળવા માંગુ છું. ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરે વી.એસ.હોસ્પિટલમાં બહાર આવેલા ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં ત્રણ લોકોના મોત થયાનો આક્ષેપ કર્યો હતો. બેઠક પછી મિડીયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, ત્રણ પૈકી એક મોત વી.એસ.હોસ્પિટલ ખાતે થયુ છે.અન્ય બે મોત કયાં થયા છે વી.એસ.કે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે તેની તપાસ હું કરી રહી છુંં. વિગત આવેથી મિડીયા સમક્ષ રજૂ કરીશ.

આ ડોકટરો અંદરો અંદર કાર્યવાહી કરતા હતા,મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વી. એસ.હોસ્પિટલ ખાતે ક્લિનિકલ ટ્રાયલ ઉપરની ચર્ચા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું,જે તે સમયે આ કૌભાંડ શરુ થયુ એ સમયે આ ડોકટરો અંદરોઅંદર કાર્યવાહી કરતા હતા.એ સમયના મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ-હોસ્પિટલ),વી.એસ.બોર્ડના ચેરમેન સહિતના કોઈને પણ આ બાબતની જાણ કરાઈ નહતી. અમારે કોઈને છોડવા નથી. એક એસોસિએટ ડોકટરને સસ્પેન્ડ કરાયા છે. આઠ કોન્ટ્રાકટ ઉપરના ડોકટરોને છૂટા કરાયા છે. ઉપરાંત તત્કાલિન મેડિકલ સુપ્રિટેન્ડન્ટને ચાર્જશીટ આપવાની કાર્યવાહી પણ કરાઈ છે.

ડોકટરોએ તેમના એકાઉન્ટમાં જમા કરાવેલા રુપિયા રિકવર કરાશે

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, ભારત સરકારના ડ્રગ્સ કંટ્રોલ જનરલની ગાઈડલાઈનને બાજુ ઉપર મુકી દઈને જે પ્રમાણે  વી.એસ.હોસ્પિટલના ડોકટરોએ મંજૂરી લીધા વગર જ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી ફાર્મા કંપનીઓને આપી હતી.તેની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. ડોકટરો દ્વારા તેમના એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ રીકવર કરવામાં આવશે.તમામ દોષિતો સામે ખાતાકીય કાર્યવાહી કરાશે. પંદર દિવસમાં તપાસ પુરી કરવામાં આવશે.

મારા સુપ્રિટેન્ડન્ટ બન્યા પહેલાથી આ ક્લિનિકલ ટ્રાયલ ચાલતી હતી: ડોકટર પારુલ શાહ

વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોકટર પારુલ શાહે પ્રતિક્રીયા આપતા કહ્યું,મારા સુપ્રિટેન્ડન્ટ બન્યા પહેલાથી આ ક્લિનિકલ ટ્રાયલ ચાલતુ હતુ.ચારથી પાંચ કંપનીના ટ્રાયલ ચાલતા હતા.હોસ્પિટલની કોઈ એથિકલ કમિટી નહતી.ડોકટર પ્રાઈવેટ કમિટી બનાવી ટ્રાયલ કરતા હતા.વર્ષ-2021થી હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાયલ ચાલતા હતા.અત્યાર સુધીમાં 56 ટ્રાયલ થયા છે.50 દર્દીના ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઈન્ડિયા થયા હતા.ડોકટર દેવાંગ રાણાએ સુપ્રિટેન્ડન્ટને એકાઉન્ટ ખોલવા કહ્યું,મારા નામે એકાઉન્ટ ખોલવાની મેં ના પાડી.દેવાંગ રાણાને એકાઉન્ટ ખોલવાની મંજૂરી બોર્ડ પાસે લેવા કહ્યું હતુ.

ક્લિનિકલ ટ્રાયલને વિપક્ષના મહત્વના સવાલ

1.ચાર વર્ષથી ચાલતા આ ટ્રાયલ છતાં કોઈને ગંધ કેમ ના આવી?

2.દવા કંપનીઓએ એચ.ઓ.ડી.,સુપ્રિટેન્ડન્ટ,ડીન,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ની સહી વગર પેમેન્ટ ચૂકવ્યુ હોય ખરુ?

૩.સસ્પેન્ડ કરાયેલ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ શા માટે નહીં?

4.કરોડો રુપિયાનુ મ્યુનિસિપલ તિજોરીને નુકસાન કરનારા સામે પોલીસ ફરિયાદ કયારે થશે?

5.માત્ર કોન્ટ્રાકટ ઉપર રહેલા તબીબોને શા માટે સસ્પેન્ડ કરાયા?

6. છેલ્લા દસ વર્ષના એથિકલ કમિટીના હિસાબ કયા કારણથી તપાસાતા નથી?

7. વી.એસ.સિવાય મ્યુનિ.ની અન્ય હોસ્પિટલમાં એથિકલ કમિટીની તપાસ કેમ કરાતી નથી?

8.કેટલા દદીઓ ઉપર કેટલી દવાનુ પરીક્ષણ કરાયુ એની વિગત શા માટે છુપાવાય છે?

9. કેટલા દર્દીઓને દવાની કંપનીઓ દ્વારા કેટલા રુપિયા ચૂકવાયા એ વિગત ઉપર પણ ઢાંકપિઢોડો કરવામાં આવ્યો.

10. દર્દીઓને આપવામાં આવતી દવા કંપનીઓના નામ જાહેર કરાતા નથી.

2024માં ડોકટરોએ એમ.ઓ.યુ.કર્યુ હતુ

મ્યુનિ.બોર્ડ બેઠકમાં ચાંદખેડાના કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું, વી.એસ.હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલના નામે ડોકટરોએ એસ4 રીસર્ચ પ્રા.લી.સાથે એમ.ઓ.યુ.કર્યુ હતુ. 29 નવેમ્બર-24ના રોજ કરાયેલા આ એમ.ઓ.યુ.માં પ્રોજેકટ શેર પણ નકકી કરાયો હતો.

કોનો કેટલો શેર?

વિભાગટકાવારી
ઈન્સ્ટીટયુશનલ શેર40
પ્રિન્સીપલ ઈન્વેસ્ટીગેટર40
સબ ઈન્વેસ્ટીગેટર15
રેમ્યુનેશન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ 02
રેમ્યુનેશન ડીન02
એથિકસ કમિટી01


Tags :