'આ રિપોર્ટ નહીં ચાલે...' લેબ-એક્સ રે હાઉસ સાથે ડૉક્ટરોની કમિશનબાજી, મજબૂર દર્દીઓને લૂંટવાનો કારસો
Commission Game : ખ્યાતિકાંડ બાદ દર્દીઓની સારવારના નામે ચાલતા કરતૂતો બહાર આવ્યાં છે. એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં નિદાનના નામે લાચાર દર્દીઓને ખંખેરવાનો રીતસર કારોબાર ધમધમી રહ્યો છે. દર્દીઓએ રિપોર્ટ કઢાવ્યો હોય છતાં ડોક્ટરનો એક જ તકિયા કલામ હોયકે, આ રિપોર્ટ નહી ચાલે. ફરીથી રિપોર્ટ કઢાવવા પડશે. કમિશનની લાલચમાં દર્દીઓને માનીતી લેબોરેટરી-એક્સ રે હાઉસમાં મોકલી દેવાય છે અને તે જ રિપોર્ટ માન્ય રાખવામાં આવે છે.
ડોક્ટરો માનીતી લેબોરેટરી, એક્સ-રે હાઉસના રિપોર્ટ માન્ય ગણે છે, કમિશનની લાલચમાં રિપોર્ટ વિના નિદાન કરાતું નથી
કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલોમાં હવે દર્દીઓ જાણે ગ્રાહક બની રહ્યાં છે. ગરીબ દર્દીઓની સેવા ભૂલી નાણાં કમાવવા એ જ ડોક્ટરોનો મંત્ર રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. મોટાભાગના દર્દીઓની એક ફરિયાદ રહી છેકે, લોહી સહિત અન્ય ટેસ્ટ કરાવ્યાં હોય, એક્સ રે કે એમઆરઆઇ કરાવ્યો હોય તેમ છતાંય ડોક્ટરો ફરીથી આ બધાય ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખે છે.
ઘણાં ઓછા ડોક્ટરો એવા છે જે દર્દીના રિપોર્ટને માન્ય ગણીને દવા આપે કે સારવાર કરે છે. મોટાભાગની હોસ્પિટલોમાં ડોક્ટરો માનીતી લેબોરેટરી અથવા એક્સ રે હાઉસમાં જઇને ટેસ્ટ કરવા ભલામણ કરે છે. વાસ્તવમાં આ ભલામણ પાછળ કમિશન મેળવવાનો મુખ્ય હેતુ હોય છે. તે રિપોર્ટ આધારે જ દર્દીની સારવાર કરવામાં આવે છે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં લેબોરેટરી અને એક્સ રે હાઉસ માટે મોટુ મૂડી રોકાણ હોય છે ત્યારે વળતર મેળવવા ડોક્ટરોને પેટ્રોલ ડિઝલની કુપન, વિદેશ પ્રવાસની ટિકીટથી માંડીને મોંઘી ગિફ્ટ જ નહીં, મસમોટુ કમિશન ચૂકવવામાં આવે છે. આ કારણોસર જ ડોક્ટરો મજબૂરવશ દર્દીઓને માનીતી લેબ-એક્સ રે હાઉસમાં ધકેલે છે. કમિશનનું એવુ નેટવર્ક ગોઠવાયેલુ છેકે, ગામડાના જનરલ પ્રેકટીશનથી માંડીને કોર્પોરેટ હોસ્પિટલના ડોક્ટરો લેબ-એક્સ રે હાઉસના સીધા સંપર્કમાં હોય છે.
કમિશનની દુષણ એટલી હદે ઘર કરી ગયુ છેકે, ડોક્ટરોમાં જાણે નાણાં કમાવવાની જાણે હોડ લાગી ગઇ છે જેમાં ગરીબ દર્દીઓનો મરો થયો છે. જરૂર ન હોય છતાં ટેસ્ટ-એક્સ રે, એમઆરઆઇ પાછળ ખોટો ખર્ચ કરાવવામાં આવી રહ્યો છે. હવે એવી માંગ ઉઠી છેકે, ગરીબ દર્દીઓને ખંખેરવાનો ખેલ ખેલાઇ રહ્યો છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે આ મામલે પણ કડકાઇ દાખવવાની જરૂર છે.