કામ સિવાય બહાર ના નીકળતા અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી

બે દિવસમાં ગરમી સંબંધિત બિમારીના ૫૭ દર્દીને સારવાર આપવામાં આવી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News

   કામ સિવાય બહાર ના નીકળતા અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટની હવામાન વિભાગની આગાહી 1 - image  

  અમદાવાદ,બુધવાર,22 મે,2024

હવામાન વિભાગ દ્વારા ૨૪ મે સુધી તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.બે દિવસમાં ગરમી સંબંધિત બિમારીને લઈ ૫૭ દર્દીને સારવાર આપવામા આવી હતી.લોકોને કામ સિવાય બહાર ના નીકળવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ માટેના તાપમાન અંગે આગાહી કરવામા આવી છે.૨૩ મેની સવારે ૮.૩૦ કલાકથી ૨૪ મેની સવારે ૮.૩૦ કલાક સુધી શહેરનુ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.૨૧ મેના રોજ શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ૩૫ તથા ૨૨ મેના રોજ ૨૨ દર્દીને ગરમી સંબંધિત બિમારી સંદર્ભમાં સારવાર આપવામાં આવી હતી.૧૩મેથી ૨૧ મે સુધીના સમયમાં ૧૦૮ દ્વારા કુલ ૩૪૫ લોકોને ગરમી સંબંધિત બિમારી અંગે સારવાર પુરી પાડવામા આવી હતી.હિટ એકશન પ્લાન અંતર્ગત શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ૪૬૯ જેટલી બાંધકામ સાઈટનુ એસ્ટેટ વિભાગ દ્વારા ચેકીંગ કરવામા આવ્યુ હતુ.બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન ખુલ્લા તડકામા શ્રમિકો પાસે કામ નહિ કરાવવા સુચના આપવામા આવી હતી.

એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.માં મુસાફરો ઘટયા

શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દોડાવવામા આવતી એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.એ.એમ.ટી.એસ.ની બસમાં રોજ સરેરાશ ૪.૫ લાખ મુસાફરો મુસાફરી કરતા હતા.તેના બદલે શહેરમા ગરમી વધતા હાલમાં રોજ ૪.૧૦ લાખની આસપાસ લોકો મુસાફરી કરી રહયા છે.બી.આર.ટી.એસ.ની તમામ એ.સી.બસ છે.આમ છતાં આ બસમાં પણ હાલમાં ગરમી વધતા રોજના વીસ હજાર મુસાફરો ઘટયા છે.


Google NewsGoogle News