Get The App

દિવાળીની ઉજવણી 31 ઑક્ટોબરે કે 1 નવેમ્બરે, સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
દિવાળીની ઉજવણી 31 ઑક્ટોબરે કે 1 નવેમ્બરે, સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ 1 - image


Diwali Celebration Date : દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પરંતુ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને ગૂંચવણ સર્જાઈ છે. આ વખતે વારાણસી-ઉજ્જૈન-મથુરા-વૃંદાવન-નાથદ્વારા-દ્વારકા-તિરુપતિમાં 31 ઑક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં 1 નવેમ્બરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવે તેવી સંભાવના છે. આમ, દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને જ્યોતિષાચાર્યો-શાસ્ત્રવિદોમાં પણ મતભેદની સ્થિતિ છે.

ગત વર્ષે પણ પડતર દિવસને લીધે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને દ્વિધા સર્જાઈ હતી. હવે આ વખતે ફરી એક વખત આ જ સ્થિતિનું નિર્માણ થયું છે. અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના મતે લોકો કોઈ ભ્રમમાં પડ્યા વિના 1 નવેમ્બરના જ દિવાળીની ઉજવણી કરે. અનેક લોકો અલગ-અલગ તિથિ લખી નાખે છે. અમારી ગણતરી પ્રમાણે 1 નવેમ્બરે જ દિવાળી મનાવાશે.

બીજી તરફ ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોને મતે આ વર્ષે 31 ઑક્ટોબરે જ દિવાળી મનાવવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો જરૂરી હોય છે. 31 ઑક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે અને એટલે આ દિવસે જ દિવાળી મનાવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે દિવાળી છે જ નહીં અને અમારી ગણતરી પ્રમાણે 31 ઑક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ.

આ અંગે જ્યોતિષી અગ્નિદત્ત પદ્મનાભ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘31 ઑક્ટોબરે સાંજે ચાર વાગ્યાથી અમાસ છે. દિવાળીએ રાતનો તહેવાર છે અને જેના કારણે 31મીએ જ દિવાળીની ઉજવણી કરવી જોઈએ. 1 નવેમ્બરના સાંજે પાંચ સુધીના અમાસ પૂર્ણ થઈ જતી હોવાથી ત્યારે દિવાળી કરી શકાય નહીં. દિવાળીના પૂજન 31 ઑક્ટોબરે થવા જોઈએ. આ વખતે બારસ છે ત્યારે ધન તેરસ અને તેરસ છે ત્યારે કાળી ચૌદશ છે.

શાસ્ત્રવિદ્ સિદ્ધાર્થ શર્માએ પણ 31 ઑક્ટોબરના જ દિવાળી ઉજવવા મત રજૂ કર્યો હતો અને તેમણે કહ્યું કે, “સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ફેરફાર પ્રમાણે કેટલાક સ્થાનોએ દિવાળીની ઉજવણીની તારીખમાં ફેરફાર છે. પરંતુ આપણે ત્યાં 31 ઑક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ. 1 નવેમ્બરે પડતર દિવસ છે અને 2 નવેમ્બરના નૂતન વર્ષ જ્યારે 3 નવેમ્બરના ભાઈ બીજ છે.’

સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ

દિવાળી બાદ પડતર દિવસની ઉજવણી સતત બીજા વર્ષે સર્જાઈ છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરુ થઈ હોતી નથી. સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે.

દિવાળીના કયા તહેવાર ક્યારે ઉજવાશે....

તારીખ
વારતહેવાર 
29 ઑક્ટોબર
મંગળવાર 
ધનતેરસ 
30 ઑક્ટોબર
બુધવાર
કાળી ચૌદશ 
31 ઑક્ટોબર
ગુરુવાર
દિવાળી 
1 નવેમ્બર
શુક્રવાર
પડતર દિવસ
2 નવેમ્બર
શનિવાર
બેસતું વર્ષ
3 નવેમ્બર
રવિવાર
ભાઈ બીજ



Google NewsGoogle News