Get The App

અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લાના વિભાજનની ચર્ચા, નવા 4-5 જિલ્લા બને તેવી શક્યતા

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
અમદાવાદ-ગાંધીનગર સહિત અનેક જિલ્લાના વિભાજનની ચર્ચા, નવા 4-5 જિલ્લા બને તેવી શક્યતા 1 - image


Ahmedabad-Gandhinagar District division: ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામે નવો જિલ્લો જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. તેમના આ નિર્ણયનો અનેક તાલુકાઓમાં વિરોધ પણ થઇ રહ્યો છે ત્યાં હવે એવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક જિલ્લાઓનું પણ ગુજરાત સરકાર દ્વારા વિભાજન કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.

હવે કયા જિલ્લા બનવાની શક્યતા... 

ઉલ્લેખનીય છે કે હાલમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જોકે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન થઇ શકે છે. ત્યારબાદ ચારથી પાંચ નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી શકે છે.  માહિતી અનુસાર અમદાવાદમાં અમદાવાદ શહેર વિસ્તારને અલગથી જિલ્લા તરીકે અસ્તિત્વમાં લાવવામાં આવે તેવી ચર્ચા છે. જોકે આ અંગે નિર્ણય તો ચાલુ વર્ષના અંતે જ લેવામાં આવી શકે છે. જેની જાહેરાત પણ ડિસેમ્બર 2025 માં થાય તેવી શક્યતા છે. 

વાવ-થરાદ નવો જિલ્લો જાહેર

ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો. આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ - 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાયો છે. જોકે સરકારના આ નિર્ણય બાદથી દિયોદર, કાંકરેજ સહિતના અનેક તાલુકાઓમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે અને મોટાભાગના લોકો તેમના તાલુકાઓના જૂૂૂના બનાસકાંઠા જિલ્લામાં જ સાંકળી રાખવાની માગ કરી રહ્યા છે.   

વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓનો સમાવેશ થશે. 

બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ 

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓનો સમાવેશ થશે.    


Google NewsGoogle News