કેમિકલનું ગંદુ પાણી છોડાતા નારોલ ગામના તળાવમાં હજારો માછલીઓના મોત નિપજયાં
દર વર્ષે હજારો તળાવના મોત છતાં કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
અમદાવાદ,શુક્રવાર,29 માર્ચ,2024
અમદાવાદના દક્ષિણઝોનમાં આવેલા નારોલ ગામના તળાવમાં ફેકટરીઓ
દ્વારા કેમિકલનું ગંદુ પાણી છોડવામાં આવતા હજારો માછલીઓના મોત નિપજયાં છે. દર
વર્ષે હજારો તળાવના મોત થતાં હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર કે ગુજરાત પોલ્યુશન
કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનો સ્થાનિકો દ્વારા
આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક તરફ વિવિધ તળાવના
ડેવલપમેન્ટ તથા તળાવોને ઈન્ટરલિંક કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ગુલબાંગ
હાંકવામાં આવે છે.બીજી તરફ નારોલ ગામમાં આવેલા તળાવમાં આસપાસના વિસ્તારમાં આવેલી
ફેકટરીઓ દ્વારા કેમિકલવાળુ ગંદુ પાણી છોડવામાં આવતા હજારો માછલીના મોત થયા
છે.સ્થાનિકોએ કરેલા આક્ષેપ મુજબ,
તળાવની આસપાસ આવેલી ફેકટરી દ્વારા કેમિકલવાળુ ગંદુ પાણી બેરોક તળાવમાં
નાંખવામાં આવી રહયુ છે.દર વર્ષે આ તળાવમાં કેમિકલયુકત ગંદુ પાણી છોડવામાં આવતુ
હોવાથી માછલીઓના મોત થાય છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન
કંટ્રોલબોર્ડના અધિકારીઓ હાથ ઉપર હાથ રાખીને તમાશો જોઈ રહયા છે.નારોલ તળાવમાં
હજારો માછલીઓના મોત થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર સફાળુ જાગ્યુ હતુ.
દક્ષિણઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહના કહેવા મુજબ, તળાવમાં ઓકિસજનનુ
પ્રમાણ ઘટવાના કારણે માછલીઓના મોત થયા છે.માછલીઓના મોતની ઘટના સામે આવતા તળાવની
સાફ સફાઈ કરી મરેલી માછલીઓને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.