બોપલમાં પાંચ દિવસમાં બીજી હત્યા, પુત્રોએ અમેરિકાથી મોબાઈલ ટ્રેક કરી શોધ્યું મૃત પિતાનું લોકેશન
Ahmedabad Bopal NRI Died News | અમદાવાદમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ વધુ એક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામમાં દીપક પટેલ નામના વ્યક્તિને બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
બોપલના ગરોડિયા ગામની સીમમાં બની ઘટના
અમદાવાદના બોપલ વિસ્તારના ગરોડિયા ગામની સીમમાં હત્યાનો બનાવ બન્યો હતો. અહીં દીપક દશરથભાઈ પટેલ નામના વ્યક્તિની બોથડ પદાર્થના ઘા કરી હત્યા કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોરડની પણ મદદ લેવાઈ છે.
બે મહિના પહેલા જ અમેરિકાથી આવ્યા હતા
મળતી માહિતી અનુસાર, મૃતક દીપક પટેલ હેબતપુરના રહેવાસી છે અને તેઓ જમીન દલાલીનું કામકાજ કરે છે. તેઓ મોટાભાગે તેમના પુત્ર-પુત્રી સાથે અમેરિકામાં રહે છે. તેઓ બે મહિના પહેલા જ અમેરિકાથી અમદાવાદ આવ્યા હતા.
'એક કામ પતાવીને કલાકમાં આવું છું તેવું કહીને નીકળ્યા હતા...'
તેમના પરિવારના અનુસાર, ગત મોડી રાત્રે તેઓ એક કામ પતાવીને કલાકમાં આવું છું તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે તેઓ ઘરે ન પરત ફરતા તેમના પત્નીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન રિસીવ ન કરતા તેમણે પુત્રને જાણ કરી હતી. આ દરમિયાન તેણે મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી લોકેશન મેળવ્યું હતું. જેમાં ગરોડિયા ગામની સીમનું લોકેશન મળી આવ્યું હતું. જેથી તેમના વેવાઈ અને સગા-સંબંધી તાત્કાલિક ત્યાં તપાસ માટે પહોંચ્યા હતા. જ્યાં દીપક પટેલનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેમની હત્યા કોણે અને કયા કારણે કરી છે તેની કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત દીપક પટેલની ગાડીની પણ કોઈ ભાળ મળી આવી ન હતી. જોકે તે કોની સાથે ગયા હતા અને ક્યાં ગયા હતા અને છેલ્લે મોબાઈલ પર કોની સાથે વાત કરી તે અંગે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.