પ્રજા ત્રાહીમામ, ભારે વરસાદ બાદ વાહનચાલકો માટે નવી 'આફત', ભ્રષ્ટ અધિકારીઓ મોજમાં

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Pit In Ahmedabad Road


Pit In Ahmedabad Road: ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાવાની પીડા પ્રજાએ સહન કરી. હવે અમદાવાદ શહેરના 19,000 જેટલા ખાડામાંથી પોતાને ઈજા થાય નહીં એવી રીતે વાહન ચલાવવાની પીડા ભોગવવાની છે. તડકો નીકળતા વધુ એક પીડાનો ઉમેરો થયો છે. ખાડામાંથી કપચી, માટી અને ધૂળ ઉડવી શરૂ થઈ છે. આ ધૂળ શ્વાસની બીમારી નોંતરી શકે અને અકસ્માત પણ સર્જી શકે. જોકે, મોંઘીદાટ ગાડીઓમાં એ.સી. ચાલુ રાખી, પડદાં પાડી, કાચ બંધ રાખી મદમસ્ત ફરતા અધિકારીઓને પ્રજાની આ હાડમારીનો ક્યારેય લેશમાત્ર ખ્યાલ આવશે નહીં. ભોગવવાનું તો પ્રજાએ જ છે.

અમદાવાદમાં કુલ 55,000 ખાડા પડ્યા

અમદાવાદ શહેરના 2635 કિલોમીટરનું રોડ નેટવર્ક ભ્રષ્ટાચારનો સૌથી મોટો અખાડો છે. એમાં પણ વરસાદ પછી પડતા ખાડા અને તેનું સમારકામ સૌથી મોટો બિઝનેસ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ચોમાસા પછી શહેરમાં કુલ 55,000 ખાડા પડ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રો જણાવે છે. આ વર્ષે હજુ વરસાદ પડવા માટે એક મહિનો બાકી છે ત્યારે 19,000 ખાડા પડી ગયા હોવાનું પણ આ સૂત્રો સ્વીકારે છે.

પ્રજા ત્રાહીમામ, ભારે વરસાદ બાદ વાહનચાલકો માટે નવી 'આફત', ભ્રષ્ટ અધિકારીઓ મોજમાં 2 - image

શહેરના વિશાળ રોડ નેટવર્ક પાછળ વર્ષે 1000 કરોડ રૂપિયાનો કુલ ખર્ચ બજેટમાંથી કરવામાં આવે છે. આ બજેટમાં નવા રોડ પાછળ તો માત્ર 400 કરોડ રૂપિયા કે 40 ટકા જ વાપરવામાં આવે છે. બાકીના 200 કરોડ રૂપિયા રિસરફેસ (મરમ્મત, ઘસારા પછીના સમારકામ કે વરસાદી ખાડા બુરવા માટે) અને 250 કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટ સ્વરૂપે આવે છે. આ ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ દિવાળી પહેલા રસ્તાના ખાડા બુરાય જશે એવી જાહેરાત બાદ વરસાદી ખાડા બુરવામાં થાય છે. જો કે, એક ખાડો પુરવા પાછળ કેટલો ખર્ચ થાય છે. 

પ્રજા ત્રાહીમામ, ભારે વરસાદ બાદ વાહનચાલકો માટે નવી 'આફત', ભ્રષ્ટ અધિકારીઓ મોજમાં 3 - image

આ વર્ષે પડેલા ખાડા બુરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલી રકમ જોઈશે એ અંગે અધિકારીઓ, સ્ટેન્ડિંગ કે રોડ કમિટીના ચેરમેન-સભ્યોએ કે કોઈ અધિકારીએ ફોડ પાડયો ન હતો. તેમણે આ આંકડા ઉપલબ્ધ નથી, ઝોનવાઈઝ ખર્ચ થતો હોવાથી જાણમાં નથી એવી ગોળગોળ વાતો કરી આ અંગે મૌન ધારણ કરી લીધું હતું.

આ પણ વાંચો: 'વૃક્ષો કાપો, વિકાસ લાવો...' હવે અમદાવાદના આ વિસ્તારમાં 400 વૃક્ષોનું ગ્રીન કવર બરબાદ કરાશે


6 હજારથી વધુ ખાડા પુરવામાં આવ્યા

મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ ખાડા પુરવા પાછળ થયેલા ખર્ચની વિગત છુપાવવા ઝોન દીઠ ખર્ચ થતો હોવાથી ચક્કસ કેટલી રકમનો ખર્ચ થયો એ મળતા બહુ સમય લાગશે કેમ કે ચોકકસ ગણતરી કરવી પડશે એવુ કારણ આગળ ધરી રહ્યા છે. 23મી ઓગસ્ટથી 31મી ઓગસ્ટ દરમિયાન 6 હજારથી વધુ ખાડા પુરવામાં આવ્યા હોવાનું રોડ કમિટીના ચેરમેને કહ્યું છે.

અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન મહિનાથી શરૂ થયેલા વરસાદના કારણે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સાત ઝોનમાં આવેલા મુખ્ય તથા આંતરીક રસ્તાઓ ઉપર 19 હજારથી વધુ ખાડા પડ્યા છે. શહેરમાં નવા રોડ બનાવવા પાછળ દર વર્ષે એક હજાર કરોડથી વધુની રકમના કામ કોન્ટ્રાકટરોને આપવામાં આવે છે. રોડના કોન્ટ્રાકટરો સાથે ડીફેક્ટ લાયાબિલિટી સમય મર્યાદા નકકી કરવામાં આવતી હોય છે. આમ છતાં રોડ બનાવવામાં આવ્યાના થોડા સમયમાં જ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા પડી જતા હોય છે. રોડ ઉપર વરસાદને કારણે પડેલા ખાડાઓની ચિંતા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા મ્યુનિસિપલ અધિકારીઓ કે સત્તાધીશોને નથી. કેમ કે એ બંધ કાચવાળી કારમાં બેસીને તેમના ઘર કે કચેરી સુધી પહોંચતા હોય છે.

કામ મંજૂર કરતા રોડ કમિટીના ચેરમેનને પણ અધિકારીઓ ખર્ચની વિગત આપતા નથી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ કમિટી દ્વારા શહેરમાં નવા રોડ બનાવવા,જુના રોડ રીસરફેસ કરવાથી લઈ ખાડા પુરવા સુધીની કામગીરી માટેની દરખાસ્તો રોડ કમિટી દ્વારા મંજુર કરવામા આવતી હોય છે. રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલને આ વર્ષમાં શહેરના વિવિધ રોડ ઉપર પડેલા 19,626 ખાડા પુરવા અંદાજે કેટલી રકમનો ખર્ચ કરવામા આવ્યો એ અંગે પુછતા તેમણે કહ્યું કે, 'ઝોન મુજબ કામગીરી થતી હોવાથી ખાડા પુરવા પાછળ થયેલા ખર્ચની રકમ હમણા મળવી મુશ્કેલ છે.'

વરસાદ સિવાય રોડ ઉપર ખાડા પડવા પાછળ એજન્સીઓની કામગીરી કારણભૂત

મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં કુલ મળીને 2635 કિલોમીટરનું રોડ નેટવર્ક આવેલુ છે. આ પૈકી દર વર્ષે 800થી 1000 કિલોમીટર લંબાઈના રોડ યુટીલીટી કેબલ એજન્સી, ગેસ એજન્સી, એજન્સી દ્વારા નાંખવા, અપગ્રેડેશન અપગ્રેડેશન તથા ફોલ્ટ રીપેર કરવા ખોલવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગટર અને પાણીની લાઈન નાંખવા, સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા કે પછી તેને અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવતી હોવાથી વિવિધ વિસ્તારમાં રોડ ખોલવામાં આવતા હોય છે. રોડ ઉપર કામગીરી જે તે એજન્સી તરફથી પુરી કરાયા બાદ રોડ ઉપર યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યુ છે એ બાબતની ઝોનકક્ષાએથી પણ જે પ્રમાણે સુપરવિઝન થવુ જોઈએ એ થતુ નથી.

પ્રજા ત્રાહીમામ, ભારે વરસાદ બાદ વાહનચાલકો માટે નવી 'આફત', ભ્રષ્ટ અધિકારીઓ મોજમાં 4 - image


Google NewsGoogle News