ધંધુકામાં સગીરના રેગિંગ મામલે પીડિતના વાલી વિફર્યા, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કરી બબાલ
Dhandhuka Ragging Case: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. હકીકતમાં, ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જાતીય સતામણી સહિત માનસિક ઉત્પિડન કરવામાં આવતું હતું. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી હેઠળ પોલીસ આરોપીને પોલીસ સ્ટેશન લાવી હતી, તે દરમિયાન પીડિતનો પરિવાર રોષ ભરાતા મામલો બગડ્યો હતો. પીડિતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બબાલ કરતાં પોલીસ અને પીડિત વિદ્યાર્થીના પરિવાર વચ્ચે ઝપાઝપી થઈ હતી.
પોલીસ અને પીડિત પરિવાર વચ્ચે ઝપાઝપી
ધંધુકાના પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગ મુદ્દે પોલીસે પાંચ આરોપી સામે પોક્સો, આઈટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે ધંધુકા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હેઠળ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. જે દરમિયાન આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવાર રોષે ભરાયા હતાં. બાદમાં મામલો વકર્યો અને વાલીઓ તેમજ પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. સમગ્ર મામલે પોલીસ પીડિતના પરિવારને શાંતિ જાળવવા અપીલ કરી રહી હતી. પરંતુ, આરોપીઓને જોઈ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો બેકાબૂ બનતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ધંધુકાના પચ્છમ ગામની છાત્રાલયનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અન્ય સગીર વિદ્યાર્થી સાથે અભદ્ર હરકત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોના અવાજમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે, પીડિત વિદ્યાર્થી પર એટલી હદે કૃરતા આચરવામાં આવી રહી છે કે, તે પોક મૂકીને રડી રહ્યો છે. તેને અસહ્ય પીડા થઈ રહી છે છતાં નફ્ફટ સહ વિદ્યાર્થીઓ તેની પર વધારે જુલમ ગુજારી રહ્યા છે.
પીડિત બૂમાબૂમ કરતો રહ્યો, વીડિયો શૂટ થતો રહ્યો
પીડિત બુમો પાડે કે રડે તો તેને ચૂપ કરાવવા વધુ મારવામાં આવે છે. ચપ્પલ અને લાકડી વડે તેને મારવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થી ઉતારી રહ્યો છે. રૂમમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓ આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે પણ કોઈ રોકતુ નથી. પીડિત સતત રડતો રહે છે પરંતુ, નરાધમ વિદ્યાર્થીઓ અટકતા જ નથી. પીડિતને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીકનો માર્યો તે બુમ પાડી મદદ પણ માગી રહ્યો નતી તેવું પણ લાગે છે.