ગુજરાત પોલીસનો 'મેન્ટર પ્રોજેક્ટ': 6500 રીઢા આરોપીઓ પર રોજેરોજ રખાશે નજર
Gujarat Police Mentor Project : ગુજરાતમાં ચોરી, લૂંટ સહિત મિલકત વિરૂદ્ધના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ વારંવાર એક જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2023ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે 22 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય પોલીસ વડાએ આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ 6500 રીઢા આરોપીઓનું ડેઈલી સર્વેલન્સ રાખવા સુચના આપી છે.
એક આરોપી સામે એક પોલીસ મેન્ટર
રાજ્યમાં હવે ‘મેન્ટર પ્રોજેક્ટ’ હેઠળ ચોરી, લૂંટ, નાર્કોટિક્સ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા એક આરોપી પર ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેન્ટર તરીકે નિમણૂક કરાયેલા પોલીસકર્મીએ આરોપી ફરીથી કોઈ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવાની સાથે દિવસમાં ત્રણ વખત લોકેશન ચકાસવું, આરોપીનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું અને આરોપી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્ન કરવા સહિતની કુલ ત્રણ મુખ્ય જવાબદારી રહેશે.
‘મેન્ટર પ્રોજેક્ટ’હેઠળ આરોપીઓનું સર્વેલન્સ
ગુજરાતમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ NDPS એક્ટના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં બે અથવા બેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ, જ્યારે એક અથવા એકથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ કરીને રીઢા ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જીતુ વાઘાણીએ અડધા બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, ચાર વર્ષે શરૂ થયો 'વન-વે' ફ્લાયઓવર
મેન્ટર પ્રોજેકટમાં નિમાયેલા પોલીસકર્મીનું 28 નવેમ્બરથી 05 ડિસેમ્બર દરમિયાન જિલ્લા વાઈઝ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ મેન્ટર પ્રોજેકટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય તે માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.