Get The App

અમદાવાદમાં 627 પંડાલ પર સર્વેલન્સ રખાશે, રાજ્યના સંવેદનશીલ વિસ્તારોના ગણેશ પંડાલમાં બંદોબસ્ત ગોઠવવા સૂચના

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં 627 પંડાલ પર સર્વેલન્સ રખાશે,  રાજ્યના સંવેદનશીલ વિસ્તારોના ગણેશ પંડાલમાં બંદોબસ્ત ગોઠવવા સૂચના 1 - image

Ganesh Mahotsav 2024 : સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે સ્થિતિ તંગ બનતા તેના પ્રત્યાઘાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ન પડે તે માટે ડીજીપીએ ગુજરાતના સીપી, એસપી અને રેંજ આઇજી સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિવિધ શહેરોના સંવેદનશીલ વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી હતી. સાથેસાથે અમદાવાદમાં 627 જેટલા ગણેશ પંડાલ પર સ્થાનિક પોલીસને ડ્રોન, સીસીટીવીની સાથે વધારાનો બંદોબસ્ત ગોઠવવાની પોલીસ કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે. 

આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી વાંધાનજક પોસ્ટ પર નજર રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. સુરતમાં રવિવારે મોડી રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાને પગલે રાજ્યના ગૃહવિભાગે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર  રાખવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને તાકીદ કરી હતી. જેના અનુસંધાનમાં ડીજીપીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશ્નર્સ, તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો અને રેંજના તમામ આઇજી સાથે વીડિયો કોન્ફરન્સથી મીંટીગ કરી હતી.

જેમાં તેમના શહેરોમાં સંવેદનશીલ વિસ્તારમાં આવેલા ગણેશ  પંડાલ પર જરૂરી બંદોબસ્ત ફાળવવા, સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને રાતના સમયે સતત પેટ્રોલીંગ કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને વાતાવરણ તંગ કરી શકે તેવી બાતમીને પગલે સ્ટેટ સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઇમને સોશિયલ મીડિયા પર વોચ રાખીને  વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું કે અમદાવાદમાં 627 જેટલા મોટા પંડાલ સ્થાપવામાં આવ્યા છે. આ ઉપરાંત, હજારો ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આગામી 17મી તારીખે ગણેશ વિસર્જનની સાથે ઇદ-એ-મિલાદની ઉજવણી હોવાથી  પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક પીઆઇ અને એસીપીને નિયમિત રીતે સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News