વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડોના ધૂમાડા છતાં નાના ઉદ્યોગો થકી રોજગાર આપવામાં આપણું રાજ્ય 'તળિયે'
Employment In Gujarat: વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યુ છે. એટલું જ નહીં ઉદ્યોગો માટે લાલજાજમ પાથરવામાં આવે છે તેમ છતાંય રોજગારીની સમસ્યા યથાવત રહી છે. મોટા ઉદ્યોગો તો ઠીક પણ લઘુ ઉદ્યોગો પણ બેરોજગારોને રોજગારી આપવામાં અસક્ષમ રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં નાના ઉદ્યોગોના માધ્યમથી રોજગારી આપવામાં પણ ગુજરાત પાછલી હરોળમાં રહ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયર્મેન્ટ જનરેશન પ્રોગ્રામમાં ગુજરાત સારૂ પ્રદર્શન કરી શક્યુ નથી.
રોજગારી મેળવવામાં ગુજરાત ટોપ ફાઇવ સ્ટેટમાં પણ નહીં
રોજગારી માટે ગામડા છોડીને હજારો બેરોજગારો શહેરો તરફ આવી રહ્યાં છે. બેરોજગારોનું સ્થળાંતર રોકવા અને ગ્રામ્ય વિસ્તારમાં જ રોજગારી મળી શકે તે માટે નાના-લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પણ પ્રાઈમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો આરંભ કર્યો છે. જેમાં લઘુ ઉદ્યોગોના માધ્યમથી રોજગારી આપવાનો મુખ્ય હેતુ છે.
બેરોજગારો માટે ઉપયોગી એવી પ્રાઈમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામમાં પણ ગુજરાત પાછળ રહ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોએ સારૂ પ્રદર્શન કરી બેરોજગારોને રોજગારી આપી છે.
રાજ્યસભામાં પૂછાયેલાં એક સવાલના જવાબમાં મીનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝે એવો ખુલાસો કર્યો છે કે, પ્રાઈમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ વર્ષ 2023-24માં 24 હજાર અને વર્ષ 24-25માં 8688 લોકોને રોજગારી આપવામાં આવી છે. બે વર્ષમાં કુલ મળીને 32,688 લોકોએ રોજગારી મેળવી હતી.
લઘુ ઉદ્યોગોનું ગુજરાતમાં ડગુમગુ
બીજી તરફ જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, બિહાર કર્ણાટકમાં વધુ લોકોને રોજગારી મળી છે. એવી ચર્ચા છે કે, રાજ્ય-કેન્દ્ર સરકારના પ્રોત્સાહન પછી પણ લઘુ ઉદ્યોગોનું ગુજરાતમાં ડગુમગુ રહ્યુ છે. અનેક સમસ્યાઓ સામે નાના ઉધોગો ઝઝૂમી રહ્યાં છે. આ કારણોસર સરકારની અનેકવિધ યોજનાઓ હોવા છતાં બેરોજગારો માટે લાભદાયી સાબિત થતી નથી. જો કે, સરકારનો દાવો છે કે, છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગોના માધ્યમથી 38.44 લાખ લોકોએ રોજગારી મેળવી છે.
છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતમાં 4049 નાના-મધ્યમ ઉદ્યોગોનાં પાટિયા પડ્યાં
ગુજરાતમાં નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહી છે. જો કે, અનેકવિધ સમસ્યાઓને કારણે નાના-મધ્યમ ઉદ્યોગોને ધમધમતાં રાખવા મુશ્કેલ બન્યાં છે. આ વખતે તો વાઈબ્રન્ટ ગુજરાતની થીમ એવી રહી છે કે, જિલ્લાઓમાં જીઆઇડીસી શરૂ કરીને નાના ઉદ્યોગોને ધમધમતાં રાખવા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના યુવાઓને રોજગાર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છતાંય લઘુ ઉદ્યોગોના શટર પડી રહ્યાં છે.
લોકસભામાં જ કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે, ગુજરાતમાં વર્ષ 2021-22માં 491, વર્ષ 2022-23માં 1074, વર્ષ 23-24માં 2307 અને વર્ષ 2024-25માં 1076 એમ કુલ મળીને 4049 લઘુ ઉદ્યોગોનું કામકાજ બંધ પડ્યું હતું.