ગાડી પર હુમલાની ચર્ચા વચ્ચે દેવાયત ખવડની સ્પષ્ટતા, કહ્યું- મેં કશું ખોટું નથી કર્યું
Devayat Khavad: લોકસાહિત્યની દુનિયામાં દેવાયત ખવડ ખૂબ જ જાણીતું નામ છે. અવાર-નવાર તે પોતાના નિવેદનો અને વિવાદોના કારણે ચર્ચામાં રહે છે. શુક્રવારે (21 ફેબ્રુઆરી) દેવાયત ખવડની ગાડી પર હુમલાને લઈને હાલ ફરી તે ચર્ચામાં છે. દેવાયત ખવડ પર હુમલાને લઈને એવી ચર્ચા કરવામાં આવી હતી કે, તેણે ડાયરાના પૈસા લઈને ડાયરો નહતો કર્યો. જોકે, હવે દેવાયત ખવડ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
દેવાયત ખવડે કરી સ્પષ્ટતા
દેવાયત ખવડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સમગ્ર વિગત વિશે જણાવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધાં...'
વધુમાં દેવાયત ખવડે દાવો કર્યો કે, 'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું. અહીં ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે પોતાની ગાડી પર થયેલાં હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટીપ્પણી કે ઘટના વિશે વાત કરી નથી.
આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનની નવી આર્ટ ગેલેરી અને નવા અતિથિગૃહનું બુકિંગ શરૂ કરાયું
શું હતી ઘટના?
નોંધનીય છે કે, શુક્રવારે (21 ફેબ્રુઆરી) દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. શુક્રવારે અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે બે પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જોકે, બાદમાં એવી ચર્ચા થઈ કે, સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર ન હતો રહ્યો તેથી આયોજકોમાં રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે. જેમાં આરોપી તરીકે સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વધુ માહિતી ફરિયાદ બાદ જ પ્રકાશમાં આવી શકે છે.