યુવતીના ભાઇએ યુવકને જાહેરમાં છરીને ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો
દેત્રોજના ભાટ વાસણા ગામે પ્રેમ પ્રકરણની શંકાનો મામલો
મૃતક યુવક આરોપીની બહેન સાથે વાત કરતો હોવાથી અદાવત રાખીને અવારનવાર ધમકી અપાતી હતી
(આરોપી - વિશાલસિંહ સોંલકી)
અમદાવાદ,સોમવાર
અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં આવેલા ભાટ વાસણા ગામમાં રહેતા એક શખ્સે તેની બહેન સાથે અન્ય એક યુવકને પ્રેમ સંબધ હોવાની શંકા રાખીને જાહેરમાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે દેત્રોજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જે અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ઝડપાયેલા આરોપીના પિતાના શોધખોળ શરૂ કરીછે. દેત્રોજના ભાટવાસણા ગામમાં રહેતા સચિનસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઇ શાન્તુભા અને ગામમાં રહેતા વિક્રમસિંહ સોંલકીની પુત્રી રીના સાથે મિત્રતા હતી.
(મૃતક શાન્તુભા સોંલકી)
જેની અદાવત રાખીને વિક્રમસિંહે શાન્તુભાને રીના સાથે વાત ન કરવાની ધમકી આપતો હતો. જે બાબતે શાન્તુભા તેના પરિવારને જાણ કરી હતી. રવિવારે સવારે શાન્તુભા ગામમાં કરિયાણાની દુકાનના ઓટલા પર બેઠો હતો ત્યારે વિક્રમસિંહનો પુત્ર વિશાલ છરી લઇને આવ્યો હતો અને શાન્તુભાના માથામા, કાન પર અને પેટમાં છરીના એક પછી એક કુલ ત્રણ ઘા મારતા તે ઢળી પડયો હતો. બીજી તરફ વિશાલસિંહ ફરાર થઇ ગયો હતો. બીજી તરફ શાન્તુભાને કડીમાં પ્રાથમિક સારવાર આપીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે આરોપી વિશાલસિંહને ઝડપી લીધો હતો. જ્યારે ફરાર વિક્રમસિંહની તપાસ શરૂ કરી છે.