ગુજરાતમાં પીટીસી કોલેજોની કથળતી સ્થિતિઃ સરકારી ચોપડે 105 કોલેજ પરંતુ 87માં જ પરીક્ષા
Gujarat Education: રાજ્યમાં અધ્યાપક તાલીમી અને શિક્ષક તાલીમી કોલેજો એવી બી.એડ અને પીટીસી (D.EL.ED) કોલેજોની સ્થિતિ ખરાબ છે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન હેઠળ આવતી આ કોલેજોમાં ડમી વિદ્યાર્થીઓ-ડમી હાજરીની પણ ફરિયાદો ઉઠી ચુકી છે. ત્યારે કાઉન્સિલ દ્વારા નિયમો કડક કરવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ અનેક કોલેજો બંધ પણ થઈ ગઈ છે. સરકારના ચોપડે 105 કોલેજો છે, પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા 87 કોલેજોના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામા આવશે.
આ પણ વાંચોઃ સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં ગુજરાત સુધી તપાસનો રેલો, વડોદરાથી 26 વર્ષના યુવકની ધરપકડ
અનેકવાર ઉઠી ફરિયાદો
પીટીસી-બી.એડ કોલેજોમાં વિદ્યાર્થીઓ આવ્યા વગર માત્ર પરીક્ષા આપીને ડિગ્રી-માર્કશીટ મેળવતા હોવાની અનેકવાર અગાઉ ફરિયાદો ઉઠી ચુકી છે. જ્યારે કેટલીક કોલેજો એસસી-એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ લેવા માટે જ ચાલતી હોય અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય તેવી પણ ફરિયાદો ઉઠી ચુકી છે. ઉપરાંત 240 દિવસની ઈન્ટર્નશીપ કોલેજો માટે ફાયદારૂપ બની હોય તેવી સ્થિતિ બની છે. ઈન્ટર્નશીપ કર્યાના ખોટા દાખલા મંગાવીને તેને કાગળ પર કાયદેસર બતાવવાની પણ ફરિયાદો છે. કેટલીક કોલેજો ઈન્ટર્નશીપના દિવસોનું ભોજનબીલ પણ લેતી હોવાની ચર્ચા છે.
શિક્ષણ પ્રાયોગિક પાઠ અને કમ્પ્યુટર પ્રાયોગિક પરીક્ષાના 50 ગુણમાંથી ૪૦થી વધુ ગુણવત્તા વિના પણ આપી દેવાતા હોય છે. શિક્ષક ભરતીમાં આ બંને પરીક્ષાના ગુણ ગણાતા હોવાથી નાણાંકીય વ્યવહાર પણ થતો હોય છે. જેથી ભરતીમાં આના ગુણ નહીં ગણવાની પણ માંગ ઉઠી છે. મહત્ત્વનું છે કે સરકારના ચોપડે-પ્રાયમરી એજ્યુકેશન વિભાગની વેબસાઈટમાં કુલ પીટીસી કોલેજો 105 છે. જેમાં 8 સરકારી-8 ડાયેટ, 30થી વધુ ગ્રાન્ટેડ અને બાકીની ખાનગી કોલેજો છે તેમજ કેટલીક મહિલા કોલેજો પણ છે. બીજી બાજુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હવે થોડા દિવસમાં વાર્ષિક પરીક્ષા યોજાવાની છે ત્યારે તેમાં પ્રથમવર્ષમાં 87 કોલેજોના 4292 અને બીજા વર્ષના 82 કોલેજોના 3406 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ કોલેજોમાં આટલો મોટો તફાવત છે.