વકરતી ટ્રાફિક સમસ્યા વચ્ચે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 50 ટકા જગ્યા હજુ ખાલી
Ahmedabad Traffic Police 50 Percent Vacant: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3484 મંજૂર જગ્યાઓ સામે 1709 જગ્યાઓ ખાલી છે. આમ 50% જેટલી જગ્યા હજુ ખાલી છે.
ગુજરાત વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામા આવ્યો હતો કે 31/01/2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ટ્રાફિક્સ પોલીસની 3484 મંજૂર જગ્યાઓ છે અને જેની સામે 1709 જગ્યાઓ ખાલી છે.જ્યારે 1775 જગ્યાઓ ભરાયેલી છે.
આ જગ્યાઓ ખાલી રહેવા પાછળના કારણોમાં સરકારે જણાવ્યુ હતું કે, જગ્યાઓ ભરતી, બદલી, બઢતી અને પ્રતિનિયુક્તિથી ભરવામાં આવે છે અને બદલી, બઢતી, વયનિવૃત્તિ તથા અવસાનના કારણે જગ્યા ખાલી પડી છે.
આ પણ વાંચો: માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી,બે લોકો ઈજાગ્રસ્ત થયાં
જો કે આ ખાલી પડેલી જગ્યાઓ કેટલા વર્ષથી ખાલી છે તે અંગે તેમજ ક્યારે ભરવામાં આવશે તે અંગે સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામા આવતી નથી. પરંતુ જગ્યાઓ રેશિયો મુજબ સીધી ભરતીના ફાળે આવતી અને બઢતીના ફાળે આવતી જગ્યાઓ મુજબ ભરવામાં આવે છે.
જયારે ગાંધીનગર શહરેમાં ટ્રાફિક પોલીસમાં કુલ 135 જગ્યાઓ મંજૂર છે પરંતુ સરકારના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં એક પણ જગ્યા ખાલી પડી નથી.