‘દૂધ સંજીવની’ યોજના હેઠળ 12 હજાર કરોડના ખર્ચે દૂધ પીવડાવ્યું છતાંય કુપોષણમાં ગુજરાત મોખરે
Doodh Sanjeevani Yojana : દૂધ, ભોજન અને ટેકહોમ રેશન હેઠળ રાજ્ય સરકાર વર્ષે 2500 કરોડનો ખર્ચ કરે છે છતાં રાજ્યના બાળકોનું કુપોષણ દૂર થઇ શકતું નથી. કુપોષણની સ્થિતિમાં ગુજરાતનો ક્રમ દેશમાં ત્રીજો છે. છેલ્લા 10 વર્ષમાં આદિજાતિ મહિલા અને બાળકોને સરકારે ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ 12000 કરોડ રૂપિયાનું દૂધ પીવડાવ્યું છે પરંતુ દૂધના આ પૈસા કોના ખિસ્સામાં ગયા છે તે સમજી શકાય તેવું છે કારણ કે આટલું દૂધ આપવા છતાં રાજ્યમાં ગરીબ પરિવારોના 3.23 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : બનાસકાંઠાનો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ રફૂચક્કર, ઊઠાં ભણાવતાં શિક્ષકો પર તવાઈ લવાશે
દૂધની યોજનામાં આંગણવાડી કેન્દ્રના છ માસ થી છ વર્ષના બાળકોને સપ્તાહમાં પાંચ દિવસ 100 એમએલ અને સગર્ભા-ધાત્રી માતાઓને સપ્તાહમાં બે દિવસ 200 એમએલ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આટલું દૂધ અને કરોડોના ખર્ચ પછી પણ બાળકો અને તેમની માતાના પોષણમાં ફરક પડ્યો નથી. ચર્ચા એવી છે કે, દૂધ પીવડાવનારા તગડા થઈ ગયા છે.
આ પણ વાંચો : ક્લાયમેટ ચેન્જની ગુજરાતમાં માઠી અસર, વરસાદની પેટર્ન બદલાઈ, ઓછા સમયમાં વધુ મેઘ મહેર થવા લાગી
‘લિવિંગ સ્ટાન્ડર્ડ’માં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ
દેશમાં જીવન ધોરણ નક્કી કરવા માટે ઘરગથ્થું ગ્રાહક ખર્ચ સર્વેક્ષણ (HCES) ના આધારે માથાદીઠ સરેરાશ માસિક વપરાશ ખર્ચ (MPCE) નક્કી થાય છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે આ કેટેગરીમાં ગુજરાતનું સ્થાન સૌથી ખરાબ સ્ટેટ્સમાં આવે છે. દેશમાં તેલંગાણા, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી અને ગોવા શહેરી વિસ્તારોમાં ગુજરાત કરતાં આગળ છે.
ગુજરાતનું શહેરી MPCE અંદાજિત 6683 રૂપિયા અને ગ્રામીણ 3820 રૂપિયા છે. તેનો સીધો અર્થ છે કે, ‘લિવિંગ સ્ટાન્ડર્ડ’માં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. શહેરી MPCEમાં પ્રથમ નંબરે 8251 રૂપિયા સાથે તેલંગાણા આવે છે અને ગુજરાતનો ક્રમ 10મો છે, જ્યારે ગ્રામીણ MPCEમાં પ્રથમ ક્રમે 5960 રૂપિયા સાથે કેરાલા છે અને ગુજરાતનો નંબર 13મો આવ્યો છે. ગ્રામીણ MPCEમાં ગુજરાત રાષ્ટ્રીય લેવલ કરતાં પણ નીચું છે.