પાઈપલાઈન નાંખવા એક કરોડ ખર્ચાયા છતાં કુબેરનગરના વીસ હજાર લોકોને ટેન્કરથી પાણી પુરુ પાડતુ મ્યુ.તંત્ર
૧૫૦૦ ઘરને એક સપ્તાહથી રોજ સાતથી આઠ ટેન્કરથી પાણી પહોંચાડાઈ રહયુ છે
અમદાવાદ,સોમવાર, 13 મે,2024
સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના અણઘડ વહીવટનો વધુ એક
નમુનો સામે આવ્યો છે. કુબેરનગર વોર્ડમાં રહેતા લોકોને પીવાનુ પાણી પહોંચાડવા રુપિયા
એક કરોડના ખર્ચથી પાઈપલાઈન નાંખવામાં આવી હતી.આમ છતાં પુરતા પ્રેસરથી પાણી નહી મળતા
વીસ હજાર લોકોને એક સપ્તાહથી રોજ સાતથી આઠ
વોટર ટેન્કરથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા પીવાનુ પાણી પહોંચાડાઈ રહયુ છે. ૧૫૦૦
જેટલા ઘરના લોકોને પાણી મેળવવા લાંબા અંતર સુધી જવુ પડે છે.કેમકે ચાલીઓની સાંકડી ગલી
સુધી પાણીના ટેન્કર પહોંચી શકતા નથી.
કુબેરનગર વોર્ડમાં આવેલી ખુમાજીની ચાલી, લક્ષ્મીનગર, અંબિકાનગર સહિતની
ચાલીઓમાં પુરતા પ્રેસરથી પાણી મળતુ નહીં હોવાની ફરિયાદ લાંબા સમયથી હતી. દરમિયાન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસારવા વોર્ડમાં રુપિયા છ કરોડના ખર્ચે પાણીની નવી
ટાંકી બનાવવામાં આવતા કુબેરનગર વોર્ડમાં
જે વિસ્તારોમા અપુરતા પ્રેસરથી પાણી મળે છે એ વિસ્તારને પુરતા પ્રેસરથી પાણી મળે એ
માટે પાઈપલાઈન નાંખવા કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે તંત્રના
અધિકારીઓ સમક્ષ રજુઆત કરી હતી.અસારવામાં બનાવવામા આવેલી પાણીની ટાંકીમાંથી
કુબેરનગર વોર્ડમાં જયાં પાણી પુરતા પ્રેસરથી મળતુ નહોતુ ત્યાં પુરતા પ્રેસરથી પાણી
પહોંચાડવા માટે પાઈપલાઈન નાંખવા રુપિયા એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.આમ છતાં
પુરતા પ્રેસરથી લોકોને પીવાનુ પાણી તો ના જ મળ્યુ.કુબેરનગર વોર્ડમાં આવેલા ચાલી
વિસ્તાર સુધી એક કરોડનો પાઈપલાઈન નાંખવા
ખર્ચ કરાયા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે.
બે દિવસમાં પ્રશ્ન
ઉકેલાઈ જશે, એડીશનલ
સિટી ઈજનેર
ઉત્તરઝોનના કુબેરનગર વોર્ડમાં વોટર ટેન્કરથી પહોંચાડાતા
પાણીને લઈ મ્યુનિ.ના એડીશનલ સિટી ઈજનેર હીમાંશુ મહેતાએ કહયુ,જે વિસ્તારમાં
પાણી પુરતા પ્રેસરથી નહીં પહોંચવાનો પ્રશ્ન હતો ત્યાં જુની લાઈનો બંધ કરી વોશઆઉટની
કામગીરી કરાઈ રહી છે. લાઈનની વોશઆઉટ કામગીરી સમયે નાળિયેર, ગુટખા સહિતનો
કચરો પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવ્યો હતો.બે દિવસમાં પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.