Get The App

વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો મળવા છતાં પણ માણેકચોક રીડેવલપમેન્ટના પાંચ કરોડના પ્રોજેકટનો અમલ જ ન કરાયો

માણેકચોક વિસ્તારમા કલીન-હેરીટેજ સ્ટ્રીટ, ફુડ હબ બનાવવાના સત્તાધારી પક્ષે આપેલા વચન પોકળ પુરવાર

Updated: Dec 4th, 2022


Google NewsGoogle News
વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો મળવા છતાં પણ માણેકચોક રીડેવલપમેન્ટના પાંચ  કરોડના પ્રોજેકટનો અમલ જ ન કરાયો 1 - image


અમદાવાદ,રવિવાર,4 ડીસેમ્બર,2022

અમદાવાદ શહેરને યૂનેસ્કો દ્વારા પાંચ વર્ષ અગાઉ વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામા આવેલો છે.આમ છતાં કોટ વિસ્તારમા ભવ્ય હેરીટેજ સ્થાપત્યોનો ઈતિહાસ ધરાવતા માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ માટે જાહેર કરવામા આવેલા રુપિયા પાંચ કરોડના પ્રોજેકટનો અમલ જ કરાયો નથી.માણેકચોક વિસ્તારમા કલીન-હેરીટેજ સ્ટ્રીટ,ફુડ હબ બનાવવા સત્તાધારી પક્ષ તરફથી આપવામા આવેલ વચન પોકળ પુરવાર થયુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ-૨૦૧૯-૨૦૨૦ના મંજુર કરવામા આવેલા વાર્ષિક અંદાજપત્રમા એ સમયના સત્તાધારી પક્ષના હોદ્દેદારોએ  મ્યુનિસિપલ કોર્પોરેશનની એ સમયે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમા રાખીને અનેક દરખાસ્ત અંદાજપત્રમા મંજુર કરી હતી.આ પૈકીની એક દરખાસ્ત  માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ પ્રોજેકટને લગતી હતી.આ શહેરને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો કોટ વિસ્તારના વિવિધ વિસ્તારમા આવેલા ભવ્ય હેરીટેજ સ્થાપત્ય અને રહેઠાણોના કારણે આપવામા આવેલો છે.માણેકચોક વિસ્તારમા અમદાવાદ શહેરની સ્થાપના સાથે જેમની દંતકથા જોડાયેલી છે એવા માણેકનાથ બાબાની મઢી આવેલી છે.ઉપરાંત બાદશાહ અને રાણીનો હજીરો પણ આવેલો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના એ સમયના શાસકપક્ષે માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ માટે જે પ્રોજેકટ મંજુર કર્યો હતો એમા માણેકચોક વિસ્તાર અમદાવાદ શહેરની વિશિષ્ઠ ઓળખ ધરાવતો હોવાની બાબતનો સ્વીકાર કરવામા આવ્યો હતો.આ સાથે જ માણેકચોક વિસ્તારમા આવેલા જુના શેરબજાર બિલ્ડિંગ,બાબા માણેકનાથજીની મઢી તથા કંસારા બજારના વિસ્તારને આવરી લઈને માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ પ્લાનનો અમલ કરવા વાર્ષિક અંદાજપત્રમા પ્રારંભિક ધોરણે રુપિયા પાંચ કરોડની રકમની ફાળવણી કરવામા આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી પક્ષ તરફથી વાર્ષિક અંદાજપત્રમા કરવામા આવેલી જાહેરાત બાદ વધુ બે વર્ષના અંદાજપત્ર મંજુર કરાયા હતા અને હવે ત્રીજુ વાર્ષિક અંદાજપત્ર વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી રજૂ કરવામા આવશે.આમ છતાં આજદીન સુધી શહેરના કોટ વિસ્તારમા આવેલા અને શહેરની આગવી ઓળખ સમાન એવા માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ પ્રોજેકટની જાહેરાત બાદ મૂહુર્તની એક ઈંટ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટી તંત્રના અધિકારીઓ મુકી શકયા નથી.

અમદાવાદમા વર્લ્ડ હેરીટેજ કોન્ફરન્સ થઈ નથી છતાં અંદાજપત્રમા ત્રણ કરોડ રુપિયા ફાળવી દીધા

અમદાવાદ શહેરને વર્ષ-૨૦૧૭મા યૂનેસ્કોની મળેલી બેઠકમા વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામા આવ્યો હતો.બાદમા મ્યુનિસિપલ કોર્પોરેશનમા સત્તાસ્થાને રહેલા ભાજપના હોદ્દેદારોએ વર્ષ-૨૦૨૦-૨૦૨૧ના મંજુર કરેલા વાર્ષિક અંદાજપત્રમા અમદાવાદમા વર્લ્ડ હેરીટેજ કોન્ફરન્સ આયોજિત કરવાના નામે રુપિયા ત્રણ કરોડની રકમની ફાળવણી કરી હતી.શહેરમા આ પ્રકારની કોઈ કોન્ફરન્સ હજુ સુધી આયોજીત કરવામા જ આવી નથી એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.અહી સવાલ એ છે કે,જે દરખાસ્ત ઉપર મ્યુનિ.શાસકપક્ષ અમલ જ કરાવી શકવાનો ના હોય તેવી દરખાસ્તોની જાહેરાત કરી કરોડોની રકમ એમણે ફાળવી હોવાના પોકળ વચનો શા માટે શહેરીજનોને આપવામા આવી રહયા છે?

ખાડીયા વોર્ડમા તલાટીહોલના રીસ્ટોરેશનનો પ્રોજેકટ પણ અટવાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનના ગત વર્ષે મંજુર કરવામા આવેલા વાર્ષિક અંદાજપત્રમા ખાડીયા વોર્ડમા આવેલા ઓચ્છવલાલ તલાટી હોલના રીસ્ટોરેશનની કામગીરી માટે રુપિયા ૩૨ કરોડની રકમની ફાળવણી કરાઈ હતી.હાલમા આ પ્રોજેકટ અટવાઈ પડયો છે.આ જ વોર્ડમા આવેલ કાપડીવાડ રેફરલ હોસ્પિટલના રીસ્ટોરેશનની કામગીરી માટે પણ બજેટમા રુપિયા ૨૫ કરોડની રકમની ફાળવણી કરવામા આવી હતી.આ પ્રોજેકટની કામગીરી પણ આગળ વધી શકી નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભાજપ સત્તાસ્થાને હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રમા ફરજ બજાવતા અધિકારીઓના કાન આમળીને તેઓ જવાબ પણ માંગી શકવાની સ્થિતિમા નથી કે રકમની ફાળવણી કરી દેવામા આવ્યા બાદ પણ તંત્ર કેમ પ્રોજેકટની કામગીરી કરતુ નથી.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમા આ પહેલી એવી ટર્મ છે કે જેમા ચૂંટાઈને આવેલાઓનો વહીવટીતંત્રના અધિકારીઓ ઉપર કોઈ પ્રકારનો કંટ્રોલ જ નથી.અધિકારીઓ એમની ઈચ્છા મુજબ કામ કરી રહયા છે.


Google NewsGoogle News