Get The App

જૈન મૂર્તિઓના કેસમાં હર્ષ સંઘવીની યોગ્ય કાર્યવાહીની ખાતરી, જિનાગમ રત્ન મહારાજે કહ્યું-'અમને વિશ્વાસ નથી'

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Jain Community Protests

Jain Community Protests: યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. હવે આ ઘટનામાં વડોદરા અને અમદાવાદમાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આ ઘટના પછી વડોદરા જ નહીં, અમદાવાદ, સુરત, સહિત રાજ્યભરમાં જૈન સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. સુરતમાં અઠવાલાઈન્સ પર જૈન સાધુ-સંતોએ ધરણાં શરૂ કર્યા છે અને ગુનેગારોને  સજા ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ, આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, જિનાગમ રત્ન મહારાજે જણાવ્યું કે,'ગૃહ મંત્રીની ખાતરી પર અમને વિશ્વાસ નથી.'

જૈન તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા માંગ 

પાવાગઢની ઘટનાના પગલે આજે (17મી જૂન) વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા દેખાવો કરાયા હતા. આ ઉપરાંત વડોદરામાં જિલ્લા કલેકટરના નિવાસ્થાને જઈને જૈન અગ્રણીઓએ ઉગ્ર રજૂઆત કરીને આવેદન પત્ર આપ્યું હતું. 

આ આવેદનપત્રમાં માગ કરાઈ છે કે, 'પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાનેથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલી બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ. અમારી માગ છે કે, તીર્થંકરની મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો.'

ગૃહ મંત્રી હર્ષ સંઘવીની પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી 

આ ઘટના પછી સુરતના જૈન સમાજમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન ઘટનાની ગંભીરતાને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘અમે જૈન તીર્થંકરોની મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાનો આદેશ આપી દીધો છે. આ પ્રતિમાઓ ઐતિહાસિક હતી.’ તો આ મામલે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે 'આ મામલો અમારા ધ્યાનમાં આવ્યો છે. અમે વિગતો મંગાવી છે.' 

જૈન મુનિઓએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જૈન સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાયું છે. આ દરમિયાન જિનાગમ રત્ન મહારાજે ચીમકી આપી છે કે, 'ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહીં. ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રીની ખાતરી પર વિશ્વાસ નથી. અમને આશ્વાસન ખપે નહીં. પરિણામ આવે પછી અમારી પાસે આવજો.' જૈન સાધુ-સંતો  હર્ષ સંઘવીએ ખાતરી આપી હોવા છતાં ધરણાં સમેટવા તૈયાર નથી.

જાણો શું છે મામલો

પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બંને બાજુ ગોખલામાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે. 20 દિવસ પહેલાં આ જૂના દાદરાને તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારે જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે.

આમ છતાં દાદરા તોડવાની કામગીરી વખતે જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકી દેવાઈ હતી. આ અંગે જૈન સમાજે અગાઉથી ચેતવણી આપી હોવા છતાં તંત્રે તેના પર ધ્યાન આપ્યું ન હતું. 


Google NewsGoogle News