અમદાવાદમાં પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે બુલડોઝરવાળી, ગેરકાયદે મકાનો ધ્વસ્ત
Antisocial Elements in Ahmedabad: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બુધવારે (18મી ડિસેમ્બર) રાત્રે પોલીસની આબરુના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે બુલડોઝર કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનારા ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે.
કાઉન્સિલર પ્રકાર ગુર્જરની માગ
બાપુનગરમાં પોલીસ પર સરા જાહેર હુમલો કરીને સિસ્ટમને પડકારનાર શખસ ફઝલ અને આફતાબ શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યામાં ગેરકાયદે પાકા મકાનો બનાવી લીધા હોવાના આક્ષેપ લાગ્યા હતા. આ મામલે બાપુનગરના કાઉન્સિલર પ્રકાર ગુર્જરે જણાવ્યું હતુ કે, 'અકબરનગરના છાપરા વિસ્તારમાં આ બંને ભાઈઓના ગેરકાયદે મકાન છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બંને મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે.'
આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ
મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યાર સુધી નિંદ્રામાં હતું!
બીજી તરફ કાઉન્સિલરના આ પત્રથી એક બાબત એ પણ સાબિત થાય છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ બાબતે અત્યાર સુધી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હતું! સામાન્ય ફેરિયાઓ પર શૂરાતન દાખવતું મ્યુનિ. કોર્પોરેશન તંત્ર આવા લુખ્ખા અને માથાભારે તત્ત્વોના દબાણ સામે નજર ઊંચી કરીને જોવાની હિંમત સુદ્ધા કરી શકતું નથી.
આરોપીઓનો વરઘોડો કાઢ્યો
બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.