Get The App

દિપક ઠક્કરની અમદાવાદ-ડીસાની રૂ.૧૦૦ કરોડની મિલકતો મળી આવી

ડબ્બા ટ્રેડીગના નાણાંનું મિલકતોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરાયાની શક્યતા

અમદાવાદમાં આનંદનગર, પકવાન ચાર રસ્તા અને સાયન્સ સીટી રોડ પર મિલકત વસાવીઃ રજિસ્ટ્રાર ઓફિસમાંથી મિલકતો અંગે વિગતો મંગાવાઇ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
દિપક ઠક્કરની અમદાવાદ-ડીસાની રૂ.૧૦૦ કરોડની મિલકતો મળી આવી 1 - image

અમદાવાદ,બુધવાર

અમદાવાદના માધુપુરામાં નોંધાયેલા રૂપિયા ૨૩૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડીંગના કેસમાં દુબઇથી ઝડપાયેલા દીપક ઠક્કરની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં તેણે અમદાવાદ, ડીસા અને ભાભરમાં  રૂપિયા ૧૦૦ કરોડની કિંમતની મિલકતો તેના તેમજ પરિવારજનોના નામે વસાવી હોવાની વિગતો સામે આવી છે. આ મિલકતોની વિગતો એકઠી કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાની રજિસ્ટ્રાર ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેેની સાથે ડબ્બા ટ્રેડીંગમાં તેણે કોને કોને માસ્ટર આઇડી આપ્યા હતા. તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનીટરીગં સેલના અધિકારીઓએ ગુજરાતના સૌથી મોટા સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગ કેસમાં દુબઇથી ઝડપાયેલા દિપક ઠક્કરના રિમાન્ડમાં તપાસના વિવિધ મુદ્દાઓને આધારે પુછપરછ શરૂ કરી છે. જેમાં દિપક ઠક્કરે અમદાવાદ, ભાભર અને ડીસામાં રૂપિયા ૧૦૦ કરોડની મિલકતોમાં રોકાણ કર્યાની વિગતો મળી છે. આ ઉપરાંત,   બે બેંકમાં લોકર અને અન્ય કારની માલિકી હોવાનું સામે આવ્યું છે. આ મિલકતો તેણે પોતાના તેમજ પરિવારજનોના નામે ખરીદી કરી હતી. તેના થલતેજના ઘરે તપાસ કરતા સાડા ચાર લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.  અમદાવાદમાં તેણે કરોડોની કિંમતનો પ્લોટ અને ઓફિસોમાં રોકાણ કર્યાનું તપાસમાં બહાર આવ્યું છે. ડીસા અને ભાભરમાં તેની ૧૧-૧૧ વિઘા ખેતીની જમીન આવેલી છે. ડીસા પાટણ રોડ પર  તે સીએનજી પંપની માલિકી દીપક ઠક્કરની હોવાનું જાણવા મળ્યું છે. જે ડીસાના ફિરોઝ નામના વ્યક્તિને સંચાલન કરવા માટે આપ્યો છે. ડીસામાં આવેલી રાજકમલ પાર્ક સોસાયટીમાં ૧૩૭૫ સ્કેવર ફુટની જગ્યામાં તેની પત્નીના સંયુક્ત નામે વૈભવી બંગલો  અને નિલકમલ સોસાયટીમાં  ૧૨૦૦ સ્કેવર ફુટના ત્રણ પ્લોટ પણ તેણે ખરીદી કર્યાની કબુલાત કરી છે. ડીસામાં પાલનપુર હાઇવે પર પાંચ હજાર સ્કેવર ફુટનો પ્લોટ વસાવવાની સાથે ડીસા એપીએમસી અને ભાભર એપીએમસીમાં એક-એક દુકાન ખરીદી કરી હતી. આ ઉપરાંત, દુબઇમાં એક કાર અને ગુજરાતમાં બે કાર ખરીદી કરી હતી.

આમ, દિપક ઠક્કરે મિલકતોમાં આશરે ૧૦૦ કરોડથી વધારે રોકાણ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે તેણે આ તમામ મિલકતો  કોના નામે ખરીદીકોની પાસેથી ખરીદી? ક્યારે ખરીદી કરી હતી? તે અંગે માહિતી એકઠી કરવા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી છે. દિપક ઠક્કર વર્ષ ૨૦૨૦માં દુબઇ ગયો હતો. તેણે આ મિલકતો પૈકી કેટલી મિલકતો તે પછી ખરીદી કરી કે તે પહેલા ખરીદીતે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જો કે દિપક ઠક્કરે  પુછપરછમાં આ મિલકતો વર્ષ ૨૦૨૦ પહેલા ખરીદી હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

દિપક ઠક્કરે અમદાવાદમાં ૫૦ કરોડ ઉપરાંતનું રોકાણ  કર્યું

અમદાવાદમાં આનંદનગરમાં પીએનટીસી કોમ્પ્લેક્સમાં બે ઓફિસ ખરીદી હતી.  પકવાન ચાર રસ્તા પાસે ટાઇટેનીયમ વનમાં  બે ઓફિસ ખરીદી  હતી. જે ભાડે આપી છે. આ ઉપરાંત, સાયન્સ સીટી રોડ પર કલબ બેબીલોન પાછળ કરોડો રૂપિયાની કિંમતનો ૩૬૦૦ વારનો પ્લોટ પણ લીધો હતો. જેના પર કોઇ બિલ્ડર સાથે મળીને હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાની યોજના હતી. સાથેસાથે  ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી કાલુપુર બેંક અને સત્તાધાર ચાર  રસ્તા પાસે કોટક મહિન્દ્રા બેંકમાં બે લોકર પણ તેના નામે હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News