રાજકોટ અગ્નિકાંડનો મૃત્યુઆંક 32 થયો, સીએમ ઘટનાસ્થળે પહોંચ્યા, અન્ય મંત્રીઓ પણ હાજર
Rajkot Game Zone Fire: રાજકોટમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. જેમાં મૃત્યુઆંક વધીને 32 સુધી પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત છે.
DNA તપાસ બાદ મૃતદેહ સોંપાશે
રાજકોટ શહેર 32 લોકોના મોતથી શોકગ્રસ્ત બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પહોંચી ગયા છે અને ઘટનાસ્થળની મુલાકાત કરી રહ્યા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા
રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો 'ટીઆરપી ગેમ ઝોન'માં માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા 32 નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.
ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ અને મેનેજર નિતિન જૈનની ધરપકડ
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે.
મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો